મોરબી આમ આદમી પાર્ટી દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા મામલે વિરોધ પ્રદર્શન

ગાંધી ચોક પાસે બેનરો દર્શાવી ઉગ્ર દેખાવો કર્યા

મોરબી : મોરબી આમ આદમી પાર્ટી દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી જિલ્લાના હોદેદારો અને કાર્યકરોએ ગાંધી ચોક, નગરપાલિકા સામે બેનરો દર્શાવીને કેન્દ્ર સરકારે પ્રજા પર ઝીકેલા પેટ્રોલ ડીઝલના ભાવવધારાનો વિરોધ કર્યો હતો.

કેન્દ્ર સરકારે કોરોનાની મહામારીના કપરા કાળમાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો ઝીંક્યો છે. પ્રજા પર આવી પડેલા આ વધારાના બોજ અંગે દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના નેતુત્વ હેઠળ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કર્યો હતો અને મોરબીના ગાંધી ચોક, નગરપાલિકા સામે આમ આદમી પાર્ટી વિવિધ બેનરો દર્શાવીને પેટ્રોલ ડિઝલમાં સરકારે પ્રજા પર ઝીકેલા બોજ મામલે વિરોધ પ્રદર્શન કરીને ઉગ્ર દેખાવો કર્યા હતા અને પેટ્રોલ ડીઝલના ભાવવધારો પ્રજાના હિતમાં પાછો ખેંચવાની સરકાર સમક્ષ માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી પ્રભારી ભરતભાઈ બારોટ, શહેર પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરૂ, શહેર મહામંત્રી પરેશ પારીઆ, જીલ્લા ટીમના ગોકળભાઈ પરમાર, પી. એમ. ચીખલીયા, જીવણભાઈ ઝીલરીયા, રહિશભાઈ માધવાણી, આશીકભાઈ મોવર, તોફીક અમરેલીયા સહિતના જોડાયા હતા.