હિટ વિકેટ : કોઈ ભૂલ જીવનનો અંત નથી, સુધારો ને આગળ વધો, જીત નિશ્ચિત છે…

- text


(હિટ વિકેટ… નિલેશ પટેલની કલમે…)

મોરબી : આ દુનિયામાં મનુષ્ય જન્મની સાથે જ કુદરત તમારી પાસેથી નૈતિકતાની અપેક્ષા રાખતી હોય છે કારણ કે માણસને ખુદને જ્યારે મનમાં અહેસાસ થાય કે તેણે તટસ્થતાથી જોતા કોઈ પણ બાબતમાં પોતાની ઈચ્છા શક્તિનો અભાવ દેખાય ત્યાં નૈતિકતાનો અભાવ કહી શકાય. આડેધડ વિકાસની મહત્વકાંક્ષાઓમાં કુદરત જે ઇચ્છતું હતું એ નૈતિકતા નેવે મુકાઈ ગઈ તેના પરિણામોની શરૂઆત આજે સમગ્ર દુનિયા અનુભવી રહ્યું છે. વાતની શરૂઆત આ વાત સાથે શા માટે કરી એ અંત સુધીમાં તમને સમજાઈ જ જશે.

મિત્રો હવે આપણે મોરબી જિલ્લાની અત્યારની સ્થિતિની વાત કરીએ તો સમગ્ર વિશ્વને અનેક તકલીફોમાં લાવી દેનાર કોરોનાના કેસ મોરબીમાં ગઈકાલના 3 ગણતા 27 થયા. જેમાં છેલ્લા પાંચેક કેસમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી એટલે કે આ લોકોને કોરોનાનું સંક્રમણ જેમનાથી ફેલાયું છે એ હજી સરકારી દ્રષ્ટિથી બહાર છે. તો મોરબીમાં આવું કેમ થયુ?. આ સવાલ સૌના મનમાં જન્મે એ સ્વાભાવિક છે. તો એ સમજવા આપણે ગુજરાતમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારથી વાત કરીએ.

સીરામીક નગરી મોરબીને વિદેશ સાથે કાયમનો નાતો છે એટલે તમામના મનમાં ભય હતો કે મોરબીમાં કોરોનાના કેસના ઢગલા થઈ જશે પરંતુ સદનસીબે એવું કંઈ જ ન થયું. સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધવા લાગ્યા પરંતુ મોરબીમાં કેસ જોવા ન મળ્યા. સૌ રાજી થયા અને સાથે બેદરકાર પણ બન્યા. લોકડાઉનમાં છૂટછાટ આવીને અમદાવાદ, સુરત જેવા મોટા સીટીમાંથી અનેક લોકો મોરબી આવ્યા. ત્યારે કોઈ કેસ આવવાની શરૂઆત થઈ જે કેસ મોટાભાગે બહારથી આવેલા લોકોના હતા પરંતુ જો સાચું જોઈએ તો લોકડાઉનથી જ મોરબી જિલ્લામાં કોરોના પ્રત્યેની ગંભીરતાનો અભાવ રહ્યો. માસ્ક તો જેલ જેવી લાગતી હોય એમ માસ્ક પહેરવા કોઈ રાજી જ નહોતું.

અંતે તંત્રની કાર્યવાહીની બીકથી લોકો માસ્ક ખિસ્સામાં રાખતા થયા, કોઈ જોઈ જશે તો દંડ થશે તે ડરથી માસ્ક ક્યારેક ક્યારેક પહેરતા થયા, આપણે તો વાંધો નથી જિલ્લામાં કોરોના અંકુશમાં છે, આ માન્યતા સાથે છૂટથી મળતા થયા, પહેલાની જેમ જ સેકહેન્ડ કરતા થઈ ગયા, બધું જ પૂર્વવત થઇ રહ્યું છે, સરકાર એ છૂટ આપી છે, હવે તો વાંધો નથી બહાર નીકળવામાં આપણે એવું વિચારીને પૂર્વવત થવા લાગ્યા. પરંતુ હવે સ્થિતિ એ આવી કે કોરોનાના કદાચ કેટલા કેસ પોઝિટિવ હશે એ કહેવું મુશ્કેલ છે, કેટલા કોરોના બૉમ્બ જિલ્લામાં સરકારી નજરથી બહાર છે એ પણ ખબર નથી. ટ્રાવેલ હિસ્ટ્રી વિના આવતા કેસ એ હાલ આપણા માટે લાલબત્તી છે. સરકાર છૂટ આપી રહી છે કારણ કે અર્થતંત્રને ધબકતું કરવું અનિવાર્ય છે.

- text

સરકારે સતત ચેતવણી આપી છે કે સાવચેત રહો કામ સિવાય બહાર ન નીકળો, માસ્ક પહેરો પરંતુ આપણે આ તમામ બાબતોને હળવાશથી લીધી અને કોરોનાથી બચવા માટે રાખવી જરૂરી હતી એવી નૈતિકતા ચુકી ગયા. હું ધ્યાન રાખું જ છું એવા વધુ પડતા આત્મવિશ્વાસ ના લીધે ખુદ અને પરિવારની સુરક્ષા માટે જે કાંઈ કરવું જરૂરી હતું. એમા પણ આપણે નૈતિકતાના ધોરણે છૂટછાટ લીધી. મિત્રો જ્યાં પણ જીવનમાં સ્વતંત્રતા શબ્દ આવે ત્યાં ફરજ સાથે જ આવે છે અને આપણે શું કર્યું? સ્વતંત્રતા મેળવી લીધી ગંગા નાહ્યા અને સાથે રહેલ ફરજને અવગણી નાખી, કાયમની જેમ. હવે સ્થિતિ એ છે કે કેસના આંકડા દિવસ રાત વધી રહ્યા છે અને સૌની ચિંતા પણ વધી રહી છે. કોરોના શરૂઆતથી જ ગંભીર બાબત હતી કારણ કે જો 130 કરોડના આપણા દેશમાં જો માત્ર 5% વસ્તી ને પણ કોરોના થાય તો સ્થિતિ સાંભળવી લગભગ અશક્ય થઈ જાય અને એ સ્થિતિમાં લાચારી સાથે કોઈને કોઈ સ્નેહીને મરતા જોવાના દિવસો આવી જાય.

આ સ્થિતિ નિવારવી એ ફક્ત સરકારની જ ફરજ હતી? લોકોની પણ કંઈક તો નૈતિક ફરજ હતી જ કે જાતે સમજીને જ કોરોનાને દૂર રાખવા સાચી દિશામાં પ્રયાસ કરવા. જીવન શૈલીમાં ફેરફાર કરવો પરંતુ આપણે મોરબી જિલ્લામાં એ ચુકી ગયા અને એટલે જ હવે કોરોનાનો બિહામણો ચહેરો સામે દેખાઈ રહ્યો છે. હજી પણ કંઈ બધું ખોયું નથી, નૈતિકતાને સામે રાખીને કોરોનાથી બચવા પ્રયાસ કરીશું તો જિલ્લો ફરી કોરોનામુક્ત બનશે જ. હવે મૂળ વાત કરીએ તો દુનિયા સામે જે પણ આફતો આવી રહી છે, તેની પાછળ ક્યાંકને ક્યાંક મનુષ્ય તરીકે આપણે ચુકી ગયેલ નૈતિકતા જવાબદાર છે. કોરોના સામે નૈતિકતા રાખીશુ તો જલ્દી જીતી પણ જઈશું પરંતુ ત્યારબાદ પણ કુદરત માટેની નૈતિકતા કાયમ સામે રાખવી પડશે અને તો અને તો જ આવનાર પેઢીને આપણે કાંઇક અંશે સારું વાતાવરણ આપી શકીશું.

જય હિન્દ, નિલેશ પટેલ, મોરબી

- text