અનોખી બેંક : પર્યાવરણ જતનના હેતુસર મોરબીમાં કાર્યરત ‘બીજ બેંક’

વનસ્પતિ બીજ બેંકમાં હાલ 171થી વધુ પ્રકારની વનસ્પતિનાં બીજ ઉપલબ્ધ

મોરબી : આજની વિકટ પરિસ્થિતિ તથા વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને પર્યાવરણપ્રેમીઓ દ્વારા લુપ્ત થઇ રહેલ વનસ્પતિના સરંક્ષણ માટે 1 માર્ચ, 2020 ના મોરબી ખાતે વનસ્પતિ બીજ બેંકની સ્થાપના કરવામાં આવેલ છે. આ એક બિન વ્યવસાયિક સેવાકીય હેતુ માટે રચાયેલ મંડળ છે. આ બીજ બેંક ઉપયોગી વનસ્પતિઓના બીજ એકત્ર કરી તે બીજ જરૂરિયાતમંદને મફત પુરા પાડશે. બહારગામના જરૂરિયાતમંદ લોકોને કુરિયર ચાર્જ લઇ બીજ મોકલવામાં આવશે. વનસ્પતિ બીજ બેંકમાં હાલ 171થી વધુ પ્રકારની વનસ્પતિનાં બીજ ઉપલબ્ધ છે. જરૂરિયાત હોય તેમણે મો.નં. 94262 32400 પર સંપર્ક કરી બીજ મેળવી શકે છે. આ બીજમાંથી રોપ તૈયાર કરી રોપા વિતરણ પણ કરવામાં આવશે.

બીજ બેંકની કામગીરી વનસ્પતિ અને ગૌપાલન વિષયનાં નિષ્ણાંત, લેખક તથા નિવૃત બાયફ અધિકારી પ્રાણજીવનભાઇ કાલરિયા સંભાળે છે. પર્યાવરણ રક્ષા તથા સમાજ સેવાના નિસ્વાર્થ હેતુસર આ સેવાકિય પ્રવૃતિમાં જીતુભાઇ ઠકકર (મયુર નેચર કલબ), મધુસુદન પાઠક (મધુરમ ફાઉન્ડેશન), દેવેન્દ્રસિંહ જાડેજા (પરિશ્રમ ઔષધવન), ભાવિનભાઇ દેસાઇ (પર્યાવરણ ટીમ-રાજકોટ), રમેશભાઇ રૂપાલા (મોરબી લાયન્સ કલબ), રાજુભાઇ પાંચોટીયા (રમણમહર્ષિ આશ્રમ), પરમાર રાજ (આયુર્વેદિક જીવનશૈલી પ્રચારક), પરમાર રૂપેશભાઇ (કવિ જલરૂપ), જયંતિભાઇ રાજકોટિયા (પર્યાવરણપ્રેમી ઉદ્યોગપતિ) સામેલ થયેલ છે.

લોકડાઉન જેવી વિકટ પરિસ્થતિમાં 90 દિવસમાં આ બેંક દ્વારા ગુજરાત તથા ગુજરાતની બહાર પણ 182 જેટલી વ્યકિતઓને તથા 22 જેટલી શાળાઓને વિવિધ પ્રકારનાં 17,000થી વધુ બીજ મોક્લી આપેલ છે. મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓને ઔષધબાગ માટે પ15 ઔષધિઓનાં બીજની કીટ તથા રોપ તૈયાર કરવા કોથળીઓ પણ મફત આપવામાં આવે છે.

ડોડી-જીવંતી, વૈજયંતી, અસલુ, જંગલી બદામ-પબડી, બાલમખીરા, કાળો શિરિષ, રતાંજલી, સિંદૂરહરડે, બહેડા, કાળો-પીળો ધતૂરો, કાળી, લાલ અને સફેદ ચણોઠી, તુંબડી, નસોતર, વરધારો, શતાવરી જેવી નામશેષ થઇ રહેલી વનસ્પતિઓનાં બીજ પણ અહીં ઉપલબ્ધ છે. વિશેષમાં કેશોદમાં ભરતભાઇ નસીતે સંવર્ધન કરેલ દેશી પારંપરિક શાકભાજીનાં બીજ પણ અહીંથી મળી શકશે.

પ્રાણજીવન કાલરિયા લિખિત પુસ્તક “વનવગડાની વનસ્પતિઓ” પણ ઉપલબ્ધ છે, પુસ્તક મંગાવનારને પુસ્તક સાથે વિનામૂલ્યે 5-6 વનસ્પતિનાં બીજ મોકલી આપવામાં આવે છે. આ બીજબેંકને મદદ કરવા કોઈપણ વ્યક્તિ પાસે હોય તે બીજ બેન્કને પ્રાણજીવન કાલરિયા (301, સનહીલ ટાવર, સુદર્શન સોસાયટી, રવાપર કેનાલ રોડ, મોરબી, મો.નં. 94262 32400 અથવા જીતુભાઇ ઠકકર (ગીતા સ્ટુડિયો, નવાડેલા રોડ, મોરબી મો. 92285 83743)ને મોકલી શકાશે.