મોરબીના લાયન્સનગરમાં લાંબા સમયથી પ્રાથમિક સુવિધાના અભાવના લીધે સ્થાનિકોને હાલાકી

સમસ્યાનું નિવારણ લાવવા ફરીવાર તંત્રને રજૂઆત

મોરબી : મોરબીના લાયન્સનગરમાં લાંબા સમયથી પ્રાથમિક સુવિધાના અભાવના લીધે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું નિવારણ લાવવા ફરીવાર સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારી દ્વારા મોરબી નગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર વિસ્તાર વોર્ડ નં. 11માં આવેલ છે. લાયન્સનગરમાં પ્રાથમિક સુવિધાની સમસ્યાઓ અંગે કાઉન્સિલરથી મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરેલ છે. પરંતુ હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. હવે સ્થાનિકોની ધીરજ ખૂટી છે. આ વિસ્તારમાં છેલ્લા 10-15 દિવસથી પાણી આવતું નથી, ગટરના ગંદા પાણીમાં ચાલવું પડે છે, સ્ટ્રીટ લાઈટ બંધ છે તથા રોડ-રસ્તા ખરાબ છે. સ્થાનિકો આવી અનેક પ્રાથમિક સુવિધાઓની સમસ્યાથી પરેશાન છે. છેવાડાનો વિસ્તાર હોય અને ગરીબ પ્રજા રહેતી હોય ત્યાં કામ નહિ કરવાનું? તેવો પ્રશ્ન રજૂઆતમાં ઉઠાવી વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે.