હળવદનો શખ્સ વિદેશી હથિયારોને વેચવાનું નેટવર્ક ચલાવતો હોવાનો એટીએસની તપાસમાં ઘટસ્ફોટ

તાજેતરમાં એટીએસે 54 હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ કરી હતી : તપાસ બાદ એટીએસે જાહેર કરી વિગતો

હળવદ : ગુજરાત એટીએસ દ્વારા ગત 19 જુનના રોજ ગેરકાયદે હથિયારનો વેપલો કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરાયો હતો. આ પ્રકરણમાં 54 આર્મ્સ હથિયારો સાથે કુલ 9 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સોની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન આ હથિયારો એકાદ-બે વર્ષ અગાઉ અમદાવાદના જોધપુર ગામ રોડ પર રામદેવ નગરમાં આવેલા તરુણ ગન હાઉસના માલિક તરુણ ગુપ્તા પાસેથી ખરીદી કર્યા હોવાનું બહાર આવ્યું હતું.

મળેલી માહિતીના આધારે રાજુલા (સુરેન્દ્રનગર), હળવદ (મોરબી), રાપર, ભચાઉ, અબડાસા (કચ્છ-ભુજ), ગાંગડ(અમદાવાદ) સહિતની અલગ અલગ જગ્યાઓ પર એટીએસની ટીમ દ્વારા તપાસ હાથ ધરી કુલ 14 આરોપીઓને 51 જેટલા હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપી પૈકી હળવદના દિગ્વિજયસિંહ જેઠુભા ઝાલા વિદેશી બનાવટના વેપન બહારથી લાવી ગુજરાતમાં તેને વેચવાનું નેટવર્ક ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. હળવદના બરાવાડના રહેવાસી દિગ્વિજયસિંહ જેઠુભા ઝાલાની આ પ્રકરણમાં ચોક્કસ ભૂમિકા બહાર આવતા મોરબી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.