વિવિધ તબક્કે અટકી પડેલી સરકારી નોકરીની પ્રક્રિયા ત્વરિત શરૂ કરવાની ઉઠતી માંગ

- text


વાંકાનેર : છેલ્લા ઘણા સમયથી સરકારની વિવિધ શાખાઓમાં ભરતીની પ્રક્રિયા વિવિધ તબબકે અટકેલી છે. જેને લઈને ગુજરાતના શિક્ષિત યુવાનોમાં અસંતોષ મિશ્રિત રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ મુદ્દે વાંકનેરમાં આજે મામલતદારને જાગૃત યુવા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

વાંકાનેરના એક જાગૃત યુવા દ્વારા સરકારી નોકરીની અટકેલી પ્રક્રિયા પુરી કરવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર છેલ્લા 3-4 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા કોઈને કોઈ કારણોસર અટકાવી દેવામાં આવી છે. અમુક ભરતી એવી છે કે જેમાં ઘણા મહિનાઓથી (અમુક તો વર્ષોથી) તમામ ભરતી પ્રક્રિયા પુરી થઈ ગઈ છે, ફક્ત નિમણુંક આપવાની જ બાકી છે. છતાં સરકાર દ્વારા આ પરત્વે ધ્યાન આપવામાં ન આવતા લાખો યુવાનો બેરોજગાર છે અને નોકરીની રાહમાં દિવસો વ્યતીત કરી રહ્યા છે.

- text

સરકારની ઢીલી નીતિને કારણે ઘણી સરકારી પરીક્ષાઓનું નોટિફિકેશન જાહેર થઈ ગયું હોવા છતાં બે-બે વર્ષના સમયગાળા બાદ પણ પરીક્ષા લેવાની પ્રક્રિયા ખોરંભે પડી છે. ગુજરાતમાં અંદાજિત 40 હજાર જેટલી જગ્યાઓ માટની પ્રક્રિયા અલગ-અલગ તબક્કે અટકેલી પડી છે. ગુજરાતમાં અંદાજે 15થી 17 લાખ જેટલા શિક્ષિત બેરોજગાર યુવાનો હાલ તો આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાહમાં દિવસો કાપી રહ્યા છે. આવેદનકાર યુવાને માંગણી કરી છે કે જે ભરતીમાં માત્ર નિમણુંક આપવાની છે તે આપી દેવામાં આવે. જે ભરતીની પ્રાથમિક કે મુખ્ય પરીક્ષા કે અથવા કોમ્પ્યુટર ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ થઈ ગયા છે તેના પરિણામો જાહેર કરવામાં આવે અને જે ભરતીની જાહેરાત થઈ ગઈ છે પરંતુ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં નથી આવી તેવી પરીક્ષાઓની તારીખ સત્વરે જાહેર કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રના અંતમાં કરવામાં આવી છે.

- text