રાજીનામા આપનાર મેરજા સહિતના ધારાસભ્યોનો ટૂંક સમયમાં બીજેપીમાં વિધિવત પ્રવેશ

મોરબી : રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપેલા નેતાઓનો ભાજપ પ્રવેશનો તખ્તો ગોઠવાઈ ગયો છે. કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પૂર્વ ધારાસભ્યો ટૂંક સમયમાં ગાધીનગર ખાતે સાદગીભર્યા સમારંભમાં ભગવો ધારણ કરશે.

રાજ્યસભાની ચૂંટણી પહેલા બીજેપીએ ત્રણ સીટ જીતવા માટે ઘણા દાવપેચ ખેલ્યા હતા. એ માટે કોંગ્રેસના ચાર-પાંચ ધારાસભ્યો ખેડવવાની યોજનાને સાકાર કરવા કેન્દ્ર લેવલથી સતત માર્ગદર્શન મેળવતા રહી મોરબી-માળીયા મી.ના કોંગ્રેસના ધારાસભ્ય સહીત ત્રણ ધારાસભ્યોને રાજીનામાં આપવા રાજી કરાયા હતા. એ તમામ પૂર્વ ધારાસભ્યોનો ભાજપમાં વિધિવત પ્રવેશ કરવાનો તખ્તો ગોઠવાઈ ચુક્યો છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર હાલ તો ગાંધીનગર ખાતે થોડા લોકોની ઉપસ્થિતિમાં સાદગીપૂર્ણ રીતે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવશે. જયારે અનલોક 2.0 બાદ જો વધુ છૂટછાટ મળશે તો જિલ્લા કક્ષાએ પણ કાર્યક્રમો યોજીને પૂર્વ ધારાસભ્યોના કાર્યકરોનો પણ ભાજપ પ્રવેશનો કાર્યક્રમ યોજાશે.