મોરબી : હાલમાં ફી ઉઘરાવતા સ્કૂલ સંચાલકો સામે શિક્ષાત્મક પગલા લેવા માંગ

- text


મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રમેશભાઈ રબારી એ જણાવ્યું છે કે પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં કોરોનાના કારણે તમામ શિક્ષણ સંસ્થાઓ આગામી ઓગષ્ટ માસ સુધી બંધ રહેવાની છે. તેવા સંજોગોમાં શિક્ષણના માફીયાઓ સરકારની મીઠી નજર નીચે વાલીઓ પાસે સત્ર ફીની ઉઘરાણી કરી રહયા છે. અને તે માટે ભારે દબાણ કરે છે. સરકાર દ્વારા અખબારી નિવેદનો કરી ફી સપ્ટેમ્બર માસ સુધી ભરવાની જાહેરાતો થાય છે. આ શિક્ષણ સંસ્થાઓ સામે કાનૂની પગલા લેવાતા નથી. માત્ર જે કોઈ સંસ્થા ફી માંગે તો ફરિયાદ કરો એમ જાહેરાત કરે છે. હવે આ પ્રશ્નમાં જે કોઈ વાલી-વારસ નામ જોગ અરજી કરે એટલે શિક્ષણ માફીયાઓ તેમને નજરમાં રાખે છે અને તેમના બાળકોનું એલ.સી. આપી દે છે. જેને અન્ય કોઈ શાળા પ્રવેશ આપતી નથી. પરિણામે આવા વિદ્યાર્થીઓની કારર્કિદી ખતમ થતી હોય. કોઈ વાલી આવી લેખિત વ્યક્તિગત ફરિયાદ કરતા નથી. જયારે આ કામ સરકાર માટે આસાન છે. સરકારના લેવલે જ આ પ્રશ્ન માટે કડકાઈથી કામ લઈ લોકોને ઉપયોગી બનવું જોઈએ.

- text

સરકારના કોઈપણ આદેશનું પાલન આ શિક્ષણ માફીયાઓ કરતા જ નથી. ત્યારે આવા સંજોગોમાં અમુક સેવાભાવી સંચાલકોએ ફી માફ કરેલ છે. આ ઉપરાંત, સ્કૂલમાં વિદ્યાર્થીઓને તેડવા-મૂકવાની મહત્વની ફરજ બજાવતા સામાન્ય કક્ષાના રિક્ષા, ઈકો તેમજ વાનચાલકો સ્કુલના બંધ દરમ્યાન વિદ્યાર્થીઓનું ભાડું માફ કરેલ છે. ત્યારે આવી શિક્ષણ સંસ્થાઓએ અઢળક કમાણી કરાવી આપતા વિધાર્થીઓના વાલીઓની મજબુરીનો લાભ ઉઠાવી પોતાની માનવતા નેવે મૂકી છે. આવા સંજોગોમાં કેટલીક સંસ્થાઓ વાલી મીટીંગ બોલાવી અને ફીના ઉઘરાણી કરે છે અને કહે છે કે વહેલામાં વહેલી તકે તમારા બાળકોની ફી ભરી જશો. કારણકે ફી તો તમારે ભરવી જ પડશે. આ બાબતે સરકારે ખરેખર વિચારવું જ જોઈએ, બેફામ બનતા શિક્ષણ માફીયાઓ સામે સરકાર દ્વારા ખરેખર કડક શિક્ષાત્મક પગલા લેવા જોઈએ માત્ર નિવેદનોથી ન ચાલે. તેમ રમેશભાઈ રબારીએ યાદીમાં જણાવેલ છે.

- text