મેરજા અને ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા સૌરાષ્ટ્રના કોંગી આગેવાનો

- text


મોરબીમાં મેરજાના રાજીનામાં બાદ મોરબીના પાર્ટી કાર્યકર્તાઓ સાથે કોંગ્રસના અગ્રણી નેતાઓ મિટિંગ યોજી

મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના રાજીનામાં બાદ કોંગ્રેસના નેતાઓએ પ્રથમ તો તેઓના બાકીના ધારાસભ્યોને એકજુટ રાખવા માટેની કવાયત હાથ ધરી હતી. ત્યાર બાદ દરેક ધારાસભ્યોને લઈને રાજીનામાં આપનાર મેરજા વિરુદ્ધ પાર્ટીમાં યોગ્ય સંદેશ પહોંચાડવા માટેની કવાયત આદરી છે. જેના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર કચ્છના કોંગ્રેસના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ સાથે મોરબીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.

મોરબીના પાયાના કોંગ્રેસના કાર્યકરો સાથે વાતચીત દરમ્યાન વીરજીભાઈ ઠુંમર, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા તથા અંબરીશ ડેર સહિતના નેતાઓએ બ્રિજેશ મેરજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. વીરજીભાઈએ જણાવ્યું હતું કે મેરજાને પાર્ટીમાં પરત લેવા એ પાર્ટીની ભૂલ હતી. હાલ મેરજા કેટલામાં વેચાયા છે એ ખબર નથી પણ ઈમાન ગીરવે મૂકીને તેઓ વેચાઈ ગયા છે એ વાત નક્કી છે. સાથોસાથ ઠુંમરે કેન્દ્ર સરકારની કોરોના સામેની નિષ્ફ્ળતા અંગે પણ પ્રહારો કર્યા હતા.

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમે એક વાર વેંચાયેલો માલ પરત લીધો હતો પણ હવે વેચાયેલો માલ પરત લેવામાં નહીં આવે. સમાજના દ્રોહીનું નામ પણ હવે નહીં બોલું એમ કહેતા ધાનાણીએ આક્રોશ પૂર્વક કહ્યું હતું કે મતદાતાઓનો દ્રોહ કરનાર એક એવી પાર્ટીમાં ગયા છે જેમણે ભય, ભ્રષ્ટાચાર અને ભ્રમ ફેલાવવાનું દેશમાં કામ કર્યું છે. અત્યારે કોરોનાની મહામારીમાં દેશને બચાવવાને બદલે રાજ્યસભાની એક સીટ બચાવવા ગુજરાત સરકાર વ્યસ્ત બની છે. કોરોના વાયરસથી તો વ્યક્તિ સંક્રમિત થાય છે પણ આ લોકોના તોડોના વાયરસથી તો વ્યવસ્થા સંક્રમિત થઈ ગઈ છે. કોરોનાથી વ્યક્તિ મરે છે પણ તોડોના વાયરસથી તો લોકશાહી મરી રહી છે એમ પરેશ ધાનાણીએ આક્રોશ પૂર્વક જણાવી કાર્યકરોને મોરબીની જનતાની અવિરત સેવા કરતા રહેવા માટે બિરદાવ્યા હતા.

આ કાર્યક્રમમાં પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, વીરજીભાઈ ઠુંમર, વિક્રમ માડમ, પ્રવીણભાઈ મુછડીયા, બાબુભાઇ વાંઝા, હર્ષદભાઈ રીબડીયા, કનુભાઈ બારૈયા, મોહનભાઇ, અંબરીશભાઇ ડેર, સંતોકબેન આરઠીયા, મહંમદ જાવિદ પીરઝાદા, લલિતભાઈ કગથરા, પ્રતાપભાઈ દુધાત સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

કોંગ્રેસના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ : મોટા ભાગનાએ માસ્ક પણ નહતા પહેર્યા

મોરબીમાં આજે ક્રિષ્ના હોલમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાનીની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં કલેકટરના જાહેરનામનો સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. અને મોટાભાગના નેતાઓ અને કાર્યકરોએ માસ્ક વગર મિટિંગમાં જોવા મળ્યા હતા. તેમજ 144ની કલમ લાગુ હોવા છતાં કોંગ્રેસની મિટિંગમાં 50 વધુ લોકોની હાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમના સ્થળે પોલીસ પણ હાજર હતી. ત્યારે લોકોના મનમાં સવાલો થઈ રહ્યા હતા કે કાયદો માત્ર સામાન્ય લોકો માટે છે. શું આ રીતે રાજકીય પાર્ટીના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કોઈ કાર્યવાહી કેમ ના થઇ શકે?

- text