રેતી માફિયાઓએ કાર્ટેલ કરી લેતા બ્રાહ્મણી નદીની જપ્ત થયેલી રેતીની હરાજી મુલત્વી રહી

- text


હળવદ : ગત અઠવાડિયે હળવદના ધનાણા અને મયુરનગર ગામના ખુલ્લા પટમાં બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદે ખનન કરવામાં આવેલી રેતીનો મસમોટો જથ્થો ખાણખનીજ વિભાગ દ્વારા ઝડપીને સીઝ કરવામાં આવ્યો હતો. આ સીઝ કરાયેલા રેતીના જથ્થાની આજે જાહેર હરાજી રાખવામાં આવી હતી. પણ રેતી ખરીદનારાઓએ કાર્ટેલ રચીને રેતીનો ભાવ ખુબ નીચો બોલતા અંતે આજની હરાજી મોકૂફ રાખવામાં આવી હતી.

થોડા દિવસો પહેલા હળવદના ધનાણા અને મયુરનગર ગામના ખુલ્લા પ્લોટોમાંથી ખાણખનીજ વિભાગે પોલીસ તંત્રને સાથે રાખીને બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદે ઉસડેલી રેતીનો અંદાજે 43170 મેટ્રિક ટન જેટલો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે રેતીનો આ જથ્થાની પહેલી જૂનના રોજ જાહેર હરાજી કરવામાં આવશે તેવું જાહેર થયું હતું. આ જાહેર હરાજીની પ્રક્રિયા નિર્વિઘ્ને પાર પડે એ માટે આસી. કલેક્ટર ગંગાસિંઘ, જિલ્લા ખાણ-ખનીજ વિભાગના અધિકારી યુ.કે.સિંઘ, મામલતદાર વી.કે. સોલંકી સહિતના અધિકારીઓ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. રેતી ખરીદવા માટે 15 કરતા વધુ ખરીદારો ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે એક મેટ્રિક ટનના બજારભાવ કરતા ખરીદારોએ નગણ્ય કિંમત ઓફર કરતા અને તમામ ખરીદારોએ એક સંપ થઈ જતા આખરે રેતીની હરાજી મોકૂફ રાખવામાં આવી હતી. આથી હાલ તો તંત્રને માથે રેતી સાંચવવાની વધુ એક જવાબદારી માથે આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રીતે ગેરકાયદે ઝડપાયેલી રેતી સાંચવવા માટે તંત્રએ વ્યવસ્થા ગોઠવવી પડી છે. બ્રાહ્મણી નદીમાં દર ચોમાસા પહેલા આ રીતે ગેરકાયદે રેતીનું ખનન થતું હોય છે અને ચોમાસાની સીઝન દરમ્યાન અલગ અલગ સ્થાનો પર અગાઉથી સંગ્રહિત કરવામાં આવેલ રેતીનું ધૂમ વેંચાણ થતું હોય છે. બ્રાહ્મણી નદી સ્થાનિકોમાં માતાનું સ્થાન ધરાવે છે. ટીકકર, મયુરનગર સહિતના વિસ્તારમાંથી પસાર થતી નદીએ ક્યારેય ગમે તેટલા ભારે વરસાદમાં પણ તેનો કાંઠો ઓળંગીને ગામોને નુકશાન પહોચાડ્યું નથી, ત્યારે ખનન માફિયાઓની આવી ગેરકાયદે પ્રવૃત્તિને લઈને સ્થાનિકોની આસ્થાને પણ ઠેસ પહોંચી હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

- text