અનલોક-1 : સાંજે 7 સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે, ઓડ- ઇવન બંધ, કરફ્યુ રાત્રે 9 થી સવારે 5

- text


સમગ્ર રાજ્યમાં એસટી બસો દોડશે : બાઇકમાં ફેમેલીના બે વ્યક્તિ ચાલશે : કન્ટેઇનમેન્ટ ઝોનમાં હજુ પણ પ્રતિબંધો યથાવત

મોરબી : લોકડાઉન-4 આવતીકાલે પૂર્ણ થનાર છે. ત્યારે લોકડાઉન-5ને અનલોક-1 નામ આપવામાં આવ્યું છે. કોર કમિટીની મળેલી બેઠકમાં અનલોક-1માં ઘણી છૂટછાટ નક્કી કરવામાં આવી છે. જેની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ થોડી જ ક્ષણો પહેલા જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે અનલોક-1 સોમવારથી અમલમાં આવશે. જેમાં દુકાનોને સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. કરફ્યુનો સમય ઘટાડીને રાત્રે 9થી સવારે 5 કરવામાં આવ્યો છે. દુકાનો ખોલવા માટે લાગુ કરવામા આવેલ ઓડ ઇવન પદ્ધતિ બંધ કરવામાં આવશે. બાઇકમાં અગાઉ એક વ્યક્તિ જ બેસી શકતો હતો. હવે બે વ્યક્તિ જેમાં બીજો ફેમેલી મેમ્બર હોય તો ચાલશે. જ્યારે નાની કારમાં 1+2 અને મોટી કારમાં 1+3 લોકો મુસાફરી કરી શકશે.

- text

વધુમાં તેઓએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં એસટી બસો શરૂ થશે. 60 પેસેન્જરની કેપેસિટીમાં જ એસટી બસો દોડશે. સિટી બસો પણ 50 ટકાની કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે. બેંકો અને ઓફિસો તેમજ સરકારી કચેરીઓ પણ સંપૂર્ણ રીતે ચાલુ થઈ શકશે.આ તમામ છૂટ નોન કન્ટેઇનમેન્ટ ઝોન માટે રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોન માટે આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયના પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે આરોગ્ય વિભાગ આવતીકાલે સમગ્ર રાજ્યના કન્ટેઇનમેન્ટ ઝોન પણ જાહેર કરશે.

અંતમાં તેઓએ કહ્યું કે હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ વગેરે કેન્દ્રના આદેશ અનુસાર ગાઈડલાઈન જાહેર થયા બાદ ચાલુ થશે. આમ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનલોક-1માં છૂટછાટ અંગેની મહત્વની જાહેરાત કરી છે. જેનાથી ધંધા- રોજગાર ધમધમતા થશે.રાજ્ય સરકારની આ જાહેરાત બાદ હવે મોરબી જિલ્લા કલેકટર અનલોક 1નું વિધિવત નવું જાહેરનામું કાલ સુધીમાં બહાર પાડશે.

- text