ટેકાના ભાવે ચણા વેંચવા માંગતા બાકી રહી ગયેલા ખેડૂતો માટે ખુશખબર

- text


રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કરાઈ મહત્વની જાહેરાત : પ્રતિ ખેડૂત વાવેતરના પ્રમાણમાં 360 કિલોથી લઈને 540 કિલો ચણા ટેકાના ભાવે વેંચી શકશે 

મોરબી : ટેકાના ભાવે ચણા વેંચાણ કરવા માંગતા ખેડૂતો માટે ગુજકોમાસોલ દ્વારા તાલુકા લેવલે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે ચણા વેંચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલા તમામ ખેડૂતોના ચણાની ખરીદી કરવામાં આવી ન હોવાથી અને ખરીદ પ્રક્રિયા બંધ કરી દેવાથી ઉહાપોહ થયો હતો. ત્યાર બાદ “કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ” દ્વારા તમામ જિલ્લા કલેકટરને તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના સંબંધિત ખાતાઓને લેખિત સૂચના આપી ચણા ખરીદ કરવા અંગેના નિયમોની વિસ્તૃત જાણકારી આપી ટેકાના ભાવે ચણા ખરીદ કરવા સૂચના જારી કરેલ છે. આનાથી ખેડૂતોમાં પ્રવર્તી રહેલી અવઢવ તો દૂર થશે જ સાથોસાથ કોઈ વિવાદ થવાની શકયતા પણ નહીં રહે.

- text

“કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ” દ્વારા જિલ્લા કલેક્ટર, ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત સહિતના સંબંધિત ખાતાઓને સૂચના આપવામાં આવી છે કે ગુજકોમાસોલ દ્વારા ગત તારીખ 1 મેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે જે હાલ ચાલુ છે. જેમાં ખરીદી પ્રક્રિયામાં કોઈ અસમંજસની સ્થિતિ ન રહે એ માટે 30 મે બાદ ખરીદી વધુ પારદર્શક બનાવવામાં આવી છે. જે મુજબ 1.5 હેકટરથી ઓછા ચણાના વાવેતર વિસ્તાર ધરાવતા નોંધાયેલા ખેડુતો પાસેથી 360 કિલો પ્રતિ હેકટર મુજબ ચણાની ખરીદી ટેકાના ભાવે સરકાર કરશે. દરેક ખેડૂતની ખરીદીની મહત્તમ મર્યાદા 1.5 હેકટર નક્કી કરવામાં આવી છે. એટલે કે 1.5 હેકટરથી વધુ ચણાનું વાવેતર કરનાર ખેડૂત પાસેથી સરકાર મહત્તમ 540 કિલો ચણા ખરીદશે. આથી મોટાભાગના દરેક ખેડૂતને ટેકાના ભાવે ચણા વેચવાનો મહત્તમ લાભ મળી શકે. આ વ્યવસ્થા 30 મેથી લઈને જ્યાં સુધી ખરીદી ચાલુ રહેશે ત્યાં સુધી લાગુ રહેશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની દરખાસ્ત અન્વયે ભારત સરકાર દ્વારા ચણાની ખરીદી માટે 1.36 લાખ મેટ્રિક ટન જથ્થો ખરીદવાની મંજૂરી મળી છે. ગુજકોમાસોલ દ્વારા 27-5-2020 સુધી 44,398 નોંધાયેલા ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી ચૂકી છે. હજી અંદાજે 1 લાખ જેટલા ખેડૂતોને ટેકાના ભાવે ચણા વેચવાનો લાભ મળી શકે એમ છે. ભારત સરકાર દ્વારા અંદાજીત કુલ ઉત્પાદનનો 25 ટકા જથ્થો ટેકાના ભાવે ખરીદ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જે 25 ટકાની મર્યાદા પ્રતિ ખેડૂત પણ લાગુ પડે છે.

- text