મોરબીમાં પાનના નાના ધંધાર્થીઓની મીટીંગ યોજાઈ : હોલસેલરો માલ ન આપતા હોવાનો બળાપો ઠાલવ્યો

- text


પ્રમાણિકતાથી ધંધો કરવા માંગતા નાના વેપારીઓને મોટા વેપારીઓ માલ ન આપીને લેભાગુ તત્વો મારફત કાળાબજાર કરતા હોય ગ્રાહકી તૂટવાથી બેહાલ બની ગયાની નાના વેપારીઓએ હૈયા વરાળ ઠાલવી : કલેકટર સમયસર પગલાં નહિ ભરે તો કાળાબજારી વધુ માજા મુકશે તેવી દહેશત વ્યક્ત કરી

મોરબી : લોકડાઉન 4માં સરકારે પાન, માવા, તમાકુ, બીડી, સિગારેટ સહિતની વસ્તુઓનો વેપાર કરવાની છૂટ આપ્યાને અઠવાડિયા કરતા પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી મોરબીમાં પાન-માવાની સ્થિતિ સામાન્ય બની નથી. એનું મુખ્ય કારણ એ છે કે મોરબીમાં છૂટક પાન, માવા, બીડી, તમાકુ સહિતની વસ્તુઓનું છૂટકમાં વેચાણ કરતા અસંખ્ય નાના ધંધાર્થીઓ છે. જે મુખ્ય હોલસેલના વેપારીઓ પાસેથી હોલસેલમાં માલ ખરીદીને વેપાર કરે છે. હવે પરિસ્થિતિ એ છે કે લોકડાઉન દરમિયાન મોટા હોલસેલના વેપારીઓ અમુક લેભાગુ તત્વોને માલ સપ્લાય કરીને ખૂબ કાળાબજારી કરી હતી. હવે છૂટ મળી હોવાથી ભાવ ટુ ભાવ માલ આપવામાં જીવ હાલતો ન હોય અને કાળાબજાર જ કરવા હોવાથી નાના વેપારીઓને માલ આપતા નથી અને મોટા વેપારીઓ હજુ પણ.અમુક લેભાગુ તત્વોને વધુ રૂપિયામાં માલ આપીને કાળાબજાર કરી રહ્યાનો આજે નાના ધંધાર્થીઓની મળેલી મીટીંગમાં બળાપો ઠાલવ્યો હતો.

મોરબીના શંકર આશ્રમ ખાતે આજે નાના પાન-મવાના વેપારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પાન-મવાના ગલ્લા કે દુકાનો ધરાવતા 50 જેટલા નાના વેપારીઓ હાજર રહ્યા હતા. આ નાના વેપારીઓએ મોરબી અપડેટના માધ્યમથી મોટા વેપારીઓની ખોરા ટોપરાં જેવી દાનતને ખુલ્લી પાડી હતી. આ નાના વેપારીઓ મોરબી અપડેટ સમક્ષ જણાવ્યું હતું કે મોરબીમાં હજુ સુધી આંગણીના વેઢે ગણી શકાય તેટલી જ પાન-માવાની દુકાનો ખુલી છે. તેની પાછળ હોલસેલરોની માલ ન આપવાની નીતિ જવાબદાર છે. આ નાના દુકાનદારો પ્રમાણિકતાથી ધંધો કરવા માંગે છે. કાળાબજાર કોઈપણ કાળે કરવા માંગતા જ નથી. એટલે મોટા હેલસેલના વેપારીઓને અનેક વખત ભાવ ટું ભાવ માલ આપવાનું કહે છે. પણ માલ આપતા જ નથી. પાન-માવાની છૂટ મળી એ સાથે આ નાના વેપારીઓ હોલસેલરોના વેપારીઓ ફોન ઉપર ફોન કરીને સતત માલની ડિમાન્ડ કરે છે. જોકે મોટા વેપારીઓ તેમને એવો દિલાસો આપે છે કે તેમનો માલ તેમના ઘરે કે દુકાને ડિલિવરી થઈ જશે આવું આઠ દિવસથી કહે છે પણ માલ આવતો નથી.

- text

અમુક નાના વેપારીઓને બે ત્રણ વસ્તુઓ મળે છે. પણ પૂરતી વસ્તુઓ મળતી નથી. જોકે પાન-માવા, તમાકુ, બીડી, સિગારેટના હોલસેલરો પાસે કોઈપણ પ્રકારની અછત નથી. હોલસેલરો પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક છે. કારણ કે કાળાબજારમાં પુષ્કળ પ્રમાણમાં માલ મળે છે. જેમાં બીજા એવા અનેક લોકો છે કે જેઓ ક્યારેય પાન-માવા, તમાકુ, બીડી, સિગારેટનો ધંધો કરતા ન હોય છતાં એમની પાસે પુષ્કળ પ્રમાણમાં માલ છે અને કાળા બજાર કરી રહ્યા છે. આ માલ હજુ પણ દોઢ કે બે ગણા ભાવે કાળાબજાર કરી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે જે કાયમી નાના ધંધાર્થીઓ છે તેમને માલ મળતો નથી અને બીજા બીનધંધાર્થીઓ પાસે માલ આવ્યો ક્યાંથી? મોટા વેપારીઓ માલ આપે તો જ આ લોકો માલ વેચી શકે. તેથી, કયાંકને ક્યાંકને મોટા વેપારીઓ અમુક લેભાગુ તત્વોને વધુ ભાવે માલ આપીને કાળાબજારને પ્રોત્સાહન આપી રહ્યા છે.

બે માસથી વધુ સમય સુધી દુકાનો બંધ રહેતા નાના ધંધાર્થીઓ બેહાલ બની ગયા છે અને હજુ પણ માલ ન મળતો હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી ભીતિ છે. જોકે અમુક દુકાને માલ મળતો હોવાથી ગ્રાહકો એવો પણ સવાલ કરે છે કે આ દુકાન ચાલુ છે તો તમને માલ કેમ મળતો નથી. આથી, જે દુકાને માલ મળતો હોય ત્યાં તેમના કાયમી ગ્રાહકો જઈ રહ્યા હોવાથી તેમની ગ્રાહકી તૂટી રહી છે અને રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઉદ્દભવ્યો છે. આથી, નાના ધંધાર્થીઓએ કલેકટર આ બાબતે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

- text