સોમવારથી મોરબી-વાંકાનેર રેલવે સ્ટેશન પર રિઝર્વેશન કરેલી ટીકીટ રિફંડની બારી ખુલશે

- text


સવારે 08થી બપોરે 02 વાગ્યા સુધી કેન્સલનો ચાર્જ કાપ્યા વગર રિફંડ મેળવી શકાશે : રેલવે વિભાગ દ્વારા પ્રવાસની તારીખને આધારે રિફંડ મેળવવા માટેની તારીખો નક્કી કરાઈ

મોરબી : આવતી કાલે 25 મે અને સોમવારથી સૌરાષ્ટ્રના પસંદગીના રેલવે સ્ટેશનો પર અગાઉ બુક કરેલી રેલવે ટિકિટનું કેંસોલેશન શરૂ થવા જઈ રહ્યું છે. પશ્ચિમ રેલવે રાજકોટ મંડલ તરફથી કરવામાં આવેલી જાહેરાત અનુસાર ક્રમબદ્ધ રીતે રિફંડ આપવાની પ્રક્રિયા હાથ ધરાશે.

રાજકોટ મંડલના રાજકોટ સહીત આઠ રેલવે સ્ટેશનો પર વારાફરતી કરવામાં આવેલા આયોજન મુજબ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મુજબ વાંકાનેર અને મોરબી રેલવે સ્ટેશન માટે સવારે 08થી બપોરે 02 વાગ્યા સુધી રિફંડની પ્રક્રિયા હાથ ધરાશે. રેલવે દ્વારા 22 માર્ચથી લઈને 30 જૂન સુધી પ્રવાસ કરવા માટે રિઝર્વેશન કરાવેલી ટિકિટો કે જે રેલવેએ કેન્સલ કરી હતી તેનું રિફંડ આપવાનું શરૂ કરવામાં આવનાર છે. જો કે એ માટે રેલવે તંત્ર તરફથી કઈ તારીખના પ્રવાસની ટિકિટનું રિફંડ કઈ તારીખે મળશે એ નક્કી કરવામાં આવ્યું છે, જેને કારણે રેલવે સ્ટશનો પર નાહકની ભીડ એકઠી ન થાય.

- text

જે મુજબ, 22-03-20થી 31-03-2020 સુધી યાત્રા કરનાર મુસાફરોની ટિકિટનું રિફંડ 25-05-2020થી 31-05-2020 દરમ્યાન થશે. જયારે 1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી યાત્રા માટે બુક થયેલી ટિકિટનું રિફંડ 01 જૂનથી 06 જૂન દરમ્યાન થશે. 15 એપ્રિલથી 30 એપ્રિલ સુધી યાત્રા કરનાર હતા એ પ્રવાસીઓનું ટિકિટ રિફંડ 07 જૂનથી 13 જૂન સુધી થશે. 01 મેથી 15 મે દરમ્યાન યાત્રા કરનાર પ્રવાસીઓનું રિફંડ 14 જૂનથી 20 જૂન સુધી મેળવી શકાશે. 16 મેથી 30 મે દરમ્યાન યાત્રા કરનાર હતા એવા પ્રવાસીઓનું રિફંડ 21 જૂનથી 27 જૂન દરમ્યાન મળશે. જયારે 1 જૂનથી 30 જૂન દરમ્યાનનું બુકીંગ ધરાવનાર યાત્રીઓનું રિફંડ તારીખ 28 જૂનથી પ્રારંભ થશે.

આ તમામ રિફંડ જે તારીખો નક્કી કરવામાં આવી છે એ દરમ્યાન જ થશે. જેની ખાસ નોંધ લેવા રેલવે વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે. મોરબી તેમજ વાંકાનેર રેલવે સ્ટેશન પરથી સવારે 08થી બપોરે 02 વાગ્યા દરમ્યાન જ રિફંડ મેળવી શકાશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા તેમજ માસ્ક સાથે રિફંડ મેળવવા રેલવે સ્ટેશન પર રિફંડ મેળવનારે આવવાનું રહેશે. જે યાત્રીઓ ઉપરોક્ત અવધિમાં જો રિફંડ ન મેળવી શકે તેઓએ 28 જૂન બાદ પરંતુ યાત્રાની તારીખના 6 મહિનાની અંદર ગમે ત્યારે પૂરેપૂરું રિફંડ મેળવી શકશે. પ્રવાસની તારીખથી લઈને 6 મહિના બાદ રિફંડ મેળવી શકાશે નહીં.

- text