અન્ય કોઈ ગેસ વાપરશો તો હપ્તાની રાહત નહીં મળે : ગુજરાત ગેસના ફતવાથી સિરામિક ઉદ્યોગકારોમાં રોષ

- text



સાંપ્રત પરિસ્થિતિમાં લોસ રિકવર કરવા માટે પ્રોપેન જ ઉદ્યોગોની પહેલી પસંદ હોવાથી ગેસ કંપનીએ નવું તુત ઉભું કર્યા જેવો ઘાટ


એક તરફ સરકારે ઉદ્યોગોને રાહત આપી બીજી તરફ ગુજરાત ગેસે સસ્તા ભાવે મળતા વૈકલ્પિક ગેસનો કોઈ ઉપયોગ ન કરે તેનો ચતુરાઈ પૂર્વક રસ્તો શોધી કાઢયો હોવાનો ઉદ્યોગકારોનો બળાપો


મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગને હજુ લોકડાઉનના ઘા રૂઝાતા ઘણો સમય લાગે તેમ છે. માટે આ વિકટ પરિસ્થિતિમાં ઉદ્યોગોને રાહત આપતી સરકારે જાહેરાત કરી છે. જ્યારે આ જાહેરાતને ગેસ કંપનીએ ચતુરાઈ પૂર્વક પોતાનો ધંધો વધારતી સ્કીમમાં ડાયવર્ટ કરી હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. ગેસ કંપનીએ હપ્તાની સ્કીમનો લાભ જે ઉદ્યોગો બીજો કોઈ ગેસ ન વાપરે તેને જ આપવાનો ફતવો જાહેર કરતા ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મળતી વિગતો અનુસાર તાજેતરમાં સરકાર દ્વારા ગુજરાત ગેસના બિલ હપ્તામાં રાહત આપતી જાહેરાત કરી હતી. લોકડાઉનના કારણે ઉદ્યોગો બંધ રહ્યા હતા. તેને ફરીથી પાટા પર ચડાવવાના આશયથી સરકાર દ્વારા આ રાહતલક્ષી જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાત મુજબ ગેસ કંપની દ્વારા બીલની બાકીની રકમ ચાર હપ્તામાં 23 જૂન સુધીમાં ભરી દેવાની છૂટ આપવામાં આવી હતી. જેના ઉપર 18 ટકાને બદલે 10 ટકા વાર્ષિક દર લેખે લેટ પેમેન્ટ ચાર્જ લાગુ પાડવાનું જાહેર કર્યું હતું.

- text

ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર હવે આ રાહત ઉપર ગેસ કંપનીએ નવું ગતકડું કાઢ્યું છે. ગેસ કંપનીએ જાહેર કર્યું છે કે જે ઉદ્યોગો અન્ય કોઈ ગેસ વાપરશે તો તેને આ રાહતનો લાભ આપવામાં આવશે નહિ. જો કે હાલ પ્રોપેન રૂ. 20માં આવતો હોય અને તેની સામે ગુજરાત ગેસ કંપનીનો પીએનજી રૂ. 28માં આવતો હોય ઉદ્યોગકારો પોતાનો લોસ રિકવર કરવાના ગણિતથી પ્રોપેન જ વાપરવાના હોય તે સ્વાભાવિક છે. પ્રોપેનના ભાવ ઘટ્યા હોય ઉદ્યોગકારો પ્રોપેન તરફ ન વળે તે માટે ગેસ કંપનીના અધિકારીઓએ વ્યૂહ રચ્યો છે. જેમાં ઉદ્યોગકારોને રાહત આપવાની માત્ર વાત જ છે બાકી હકીકતમાં ઉદ્યોગકારોને નુકસાન પહોંચાડીને કંપનીનો ધંધો વધારવાની યુક્તિ છે.

એક તરફ સરકાર ઉદ્યોગોને પહેલાની જેમ ધમધમતા કરવા માટે રાહત જાહેર કરી રહી છે. બીજી તરફ ગેસ કંપનીના અધિકારીઓ કંપનીનો નફો વધારવા માટે તઘલખી નિર્ણયો લઈ રહી છે. તેવો ઉદ્યોગકારો રોષપૂર્વક બળાપો ઠાલવી રહ્યા છે. જો કે આ અંગે ઉદ્યોગકારો સરકારને રજુઆત પણ કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text