હળવદના નવા કડીયાણા ગામે જીઆરડીના જવાનોએ શ્રમિકને બેફામ માર માર્યો

- text


શ્રમિકને બચાવવા વચ્ચે પડેલા ગામના પૂજારીને પણ માર માર્યો : લોકડાઉનની પરિસ્થિતિમાં વિના કારણે નિર્દોષ ગ્રામજનો ઉપર ત્રાસ ગુજારતા હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ : ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ ગામમાં દોડી જઈને ગ્રામજનોનો આક્રોશ શાંત પાડી એસપીને રજુઆત કરી

હળવદ : હળવદના નવા કડીયાણા ગામે બે જીઆરડીના જવાનોનોએ શ્રમિકને વિના કારણે હેરાન કરીને તેના પર ધોકા લઈને તૂટી પડ્યાની અને આ શ્રમિકને બચાવવા વચ્ચે પડેલા ગામના પૂજારીને પણ બેફામ માર માર્યો હોવાની ગ્રામજનો દ્વારા રજુઆત કરી ભારે આક્રોશ ઠાલવ્યો હતો. જેથી, ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ ગામમાં દોડી જઈને ગ્રામજનોનો આક્રોશ શાંત પાડી એસપીને રજુઆત કરી હતી.

હળવદના નવા કડીયાણા ગ્રામજનોએ આક્રોશભેર રજુઆત કરી હતી કે બે જીઆરડી જવાનોને લોકડાઉનની ફરજ માટે ગામમાં તૈનાત કરવામાં આવ્યા છે. પણ ગ્રામજનોમાંથી ઉઠતી ફરિયાદ મુજબ આ બન્ને જીઆરડી જવાનો લોકડાઉનની યોગ્ય ફરજ નિભાવવાની બદલે વારંવાર ગ્રામજનોને વિના કારણે હેરાન કરે છે. તેમજ માવા ઘરમાં રાખ્યા છે તેમ કહીને કોઈના પણ ઘરમાં ઘુસી જઈને જડતી લે છે. અને આજે તો આ બન્ને જીઆરડી જવાનોએ ગામમાં રહેતા ભીખાભાઈ મગનભાઈ કોળી આજે બપોરના સમયે મજૂરી કામ કરીને ઘરે પરત આવી રહ્યા હતા અને બપોરનો તાપ હોવાથી અને કામમાં થાકી ગયા હોવાથી તેઓ ગામની પાદરે થોડીવાર છાયે બેસીને પરત ઘરે જવા નીકળ્યા હતા. એટલી વારમાં જ બન્ને જીઆરડી જવાનો તેમની પાસે પહોંચી ગયા અને કોઈ મોટો ગુનો કર્યો હોય એમ આ નિર્દોષ શ્રમિકની ઉલટ તપાસ કરીને પૂછપરછ કર્યા બાદ ઓચિંતા જ આવેશમાં આવીને બન્ને ધોકા વડે આ શ્રમિક પર તૂટી પડ્યા હતા. તેથી શ્રમિકને માર મારતા જોઈને ગામના પૂજારી મુકેશગીરી તેમને બચાવવા વચ્ચે પડ્યા તો તેમને પણ માર માર્યો હતો.

- text

જેમાં શ્રમિકને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જ્યારે પૂજારીના હાથમાં પણ ઇજા પહોંચી હતી. આ બન્ને ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે જીઆરડી જવાનોનો રોજેરોજનો ત્રાસ સહન કરતા ગ્રામજનોની ધીરજ ખૂટી ગઈ હતી અને ગ્રામજનો ભેગા મળીને આ બનાવનો સખત વિરોધ કર્યો હતો. આ બનાવની જાણ થતાં ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા અને તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા તુરંત આ ગામમાં દોડી જઈને લોકોનો રોષ શાંત પાડીને ફોનમાં જ એસપીને રજુઆત કરીને બન્ને જીઆરડી જવાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્તો દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

- text