ગલ્ફના દેશો દ્વારા લગાવેલી કમરતોડ એન્ટી ડંપિંગ ડ્યુટી મામલે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગ

- text


WTO અને કેન્દ્ર સરકારમાં ભારતની ટાઇલ્સ પર ચાઈનાથી વધુ એન્ટીડંપિંગ ડ્યુટી મામલે યોગ્ય રજુઆત કરાશે : સીરામીક એસોસીએશન

મોરબી : કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પાછલા એક મહિના કરતા વધુ સમયથી મોરબીનો સીરામીક ઉધોગ ઠપ્પ પડી ગયો છે. સેંકડો કારીગરો, કર્મચારીઓ અને શ્રમિક વર્ગ મોરબી છોડી જતો રહ્યો છે. આમ છતાં લોકડાઉન પૂરું થયા બાદ મોરબીના સાહસિક ઉધોગકારો ફરી એક વખત આ ઉધોગને ટોચ પર લઈ જવા મક્કમ હતા. આવા સમયે ગલ્ફના દેશોમાંથી સીરામીક પ્રોડક્ટ પર અધધધ એન્ટીડંપિંગ ડ્યુટી નાંખવાનો નિર્ણય લેવામાં આવતા મોરબી સીરામીક ઉધોગો પર મુસીબતના કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે.

મોરબી અપડેટ દ્વારા સીરામીક એસોસિએશનના હોદ્દેદારો તેમજ અગ્રણી ઉધોગકારો સાથે આ બાબતે વિસ્તૃત ચર્ચા થતા ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. સીરામીક ઉધોગકાર નિલેશભાઈ જેતપરિયા, મુકેશભાઈ ઉધરેજા, કિશોરભાઈ ભાલોડિયા, કિરીટભાઈ પટેલ સાથે મોરબી અપડેટ દ્વારા લાઈવ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. જેનો નિષ્કર્ષ કાઢતા એટલું તો ચોક્કસ કહી શકાય કે સાઉદી અરેબિયા સહિત ગલ્ફના દેશો દ્વારા આવનારી 6 જૂનથી લાગુ કરવામાં આવનાર એન્ટીડંપિંગ ડ્યુટી અંગે જો ફેર વિચારણા કરવામાં નહીં આવે તો વૈશ્વિક કક્ષાએ મોરબીના સીરામીક ઉધોગને ટકવું અસંભવ બની જશે.

આવનારી 6 જૂનથી GCCના દેશોમાં ભારતીય સીરામીક પ્રોડક્ટ્સ પર તોતિંગ એન્ટીડંપિંગ ડ્યુટી લાગવા જઈ રહી છે. ગલ્ફના દેશો દ્વારા વિશ્વમાં ભારત એક માત્ર એવો દેશ છે જેની સીરામીક પ્રોડક્ટ્સ પર 100 ટકા કરતા વધુ એન્ટીડંપિંગ ડ્યુટીની જાહેરાત કરવામાં આવી છે. ચાઇનાની સીરામીક પ્રોડક્ટ્સ પર સરેરાશ 23.5 ટકા જ્યારે ભારતીય (મોરબી સીરામીક) પ્રોડક્ટ્સ પર સરેરાશ 41.2 ટકા ડ્યુટીનો મૂળભૂત તફાવત અગાઉ પણ ભારતીય ઉત્પાદને ટોચ પર પહોંચવામાં નડતર રૂપ હતો જ. ભારત-ચાઇના વચ્ચેનો ડ્યુટીનો આટલો મોટો તફાવત ગલ્ફના દેશોમાં સીરામીક વ્યવસાયમાં બાધારૂપ સાબિત થઈ રહ્યો છે. મોરબીથી આશરે 40 ટકા જેટલી નિકાસ માત્ર જીસીસીના દેશોમાં જ થાય છે. અત્યાર સુધી 4થી 5 હજાર કરોડનો વ્યાપાર માત્ર ગલ્ફના દેશોમાં જ સીરામીક ઉધોગકારો કરતા હતા જે 6 હજાર કરોડ સુધી લઈ જવાની ઉધોગકારોની ગણતરી અને મહેનત પર હાલ તો પાણી ફરી વળ્યું છે. હાલમાં લોકડાઉનની પરિસ્થિતિને લઈને આમ પણ બાંધકામ ઉધોગ ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં મૃતપાય અવસ્થામાં છે. તેવામાં ગલ્ફના દેશોમાં વધુ એન્ટીડંપિંગ ડ્યુટી વધશે તો ડોમેસ્ટિક માર્કેટમાં ટકવું પણ સીરામીક ઉધોગોને મુશ્કેલ પડશે. કેમકે ગલ્ફના દેશોમાં જો માલની નિકાસ ઘટશે કે અટકશે તો એ પ્રોડક્શન તો થવાનું જ છે જેનો નિકાલ ડોમેસ્ટિક માર્કેટમાં કરવો પડશે, જેના કારણે પ્રાઇઝવોર પ્રબળ બનશે જે આખરે તો સીરામીક ઉધોગનો મૃત્યુઘંટ વગાડી દેશે એવી દહેશત નિલેશભાઈ જેતપરિયાએ વ્યક્ત કરી હતી.

- text

સીરામીક પ્રોડક્ટ્સની 5000 કરોડની નિકાસ આ એન્ટીડંપિંગ ડ્યુટીને કારણે 500 કરોડ જેટલી જ રહી જશે એવી આશંકા વ્યક્ત કરતા મુકેશભાઈ ઉધરેજાએ જણાવ્યું હતું કે મોરબી સીરામીક એસોસિએશનના હોદ્દેદારોએ ઇન્ડિયન કોમર્સ મિનિસ્ટર પીયુષ ગોયલને રૂબરૂ મળી આ પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. આ ઉપરાંત સીરામીક એસોસિએશનના હોદ્દેદારો, સભ્યોએ જીસીસીની ગલ્ફમાં આવેલી મુખ્ય કચેરીએ રૂબરૂ જઈને પણ ઉપસ્થિત થનાર સ્થિતિથી તેઓને વાકેફ કરાવ્યા હતા. જીસીસીના પ્રમુખને પુરી પરિસ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો હતો. આમ છતાં આ કમરતોડ એન્ટી ડંપિંગડ્યુટીનો નિર્ણય આવી પડતા હવે વડાપ્રધાન મોદી આ બાબતે હસ્તક્ષેપ કરે તેવી લાગણી મુકેશભાઈએ વ્યક્ત કરી હતી.

સીરામીક ઉધોગમાં ચાઇના પછી મોરબી બીજા ક્રમે આવતું હતું જેને પ્રથમ ક્રમે લઈ જવાના પ્રયાસો નિષ્ફળ જઈ શકે છે. એન્ટીડંપિંગ ડ્યુટીના વધારાને લઈને અમારા પ્રયાસોને ધક્કો લાગ્યો છે એમ કહેતા કિશોરભાઈ ભાલોડિયાએ મોરબી અપડેટને તેઓના સંઘર્ષપૂર્ણ પ્રયાસ અને આવનારા દિવસોમા લેવામાં આવનાર પગલાંઓ વિશે જાણકારી આપતા કહ્યું હતું કે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ અગાઉ એન્ટીડંપિંગ ડ્યુટી બાબતે ઉચ્ચકક્ષાએ ઘણી રજૂઆતો કરેલી છે. જો કે હવે મોહનભાઇ કુંડારિયાની આગેવાનીમાં વિનોદભાઈ ચાવડા, મનસુખભાઈ માંડવીયા તેમજ એસોસિએશનના હોદ્દેદારો, સભ્યો દ્વારા પીએમ મોદીને મળી આ બાબતે હસ્તક્ષેપ કરવા રજુઆત કરશે. મુકેશભાઈ ઉધરેજા અને કિશોરભાઈની વાતમાં સુર પુરાવતા નિલેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અમો ત્રિસ્તરીય પગલાંઓ ભરવા જઈ રહ્યા છીએ જેમાં સૌથી પહેલા WTO ( વર્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન)માં પણ એન્ટીડંપિંગ ડ્યુટી બાબતે રજુઆત કરવામાં આવશે. ત્યાર બાદ વિશ્વના એવા દેશોમાં સીરામીક પ્રોડક્ટ્સ પ્રમોટ કરીશું જ્યાં ભાવિ વ્યાપાર માટે શક્યતાઓ હોય અને ત્રીજું કે ભારતીય સરકાર સાથે મળીને સાઉદી સરકાર સાથે વાટાઘાટો કરી એન્ટીડંપિંગ ડ્યુટી બાબતે વિસ્તૃત વાર્તાલાપ કરીશું. જેને કારણે હાલની સમસ્યામાં કંઈક રસ્તો નીકળે.

છેલ્લા 15 વર્ષથી મોરબીનો સીરામીક ઉધોગ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. નોટબંધી, જીએસટી, વૈશ્વિક મંદી જેવી સમસ્યાઓ વચ્ચે તેમજ હાલ કોરોનાને લઈને ચાલી રહેલા લોકડાઉનને પણ સહન કરી જવા અને ફરી પાછો આપબળે ઉભો થવા માટે મોરબીનો સીરામીક ઉધોગ અને ઉધોગકાર સક્ષમ છે. જો કે ગલ્ફના દેશો દ્વારા લાદવામાં આવેલી એન્ટીડંપિંગ ડ્યુટીને લઈને હાલ ઉધોગ પર ચિંતાના વાદળો ઘેરાયેલા છે તેમ કહીને કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે એન્ટીડંપિંગ ડ્યુટીનો ચાઇના-ભારત વચ્ચેનો તફાવત જો દૂર નહિ થાય તો આવનારા દિવસોમાં વૈશ્વિક લેવલે મોરબીના સીરામીક ઉધોગ માટે કપરા ચઢાણ સાબિત થશે.

ગલ્ફના દેશો દ્વારા ભારતીય ટાઇલ્સ પર લગાવેલી તોતિંગ એન્ટી ડમ્પિંગ ડ્યુટી મામલે મોરબી સીરામીક એસોસિયેશનના પ્રમુખો સાથે મોરબી અપડેટની ખાસ વાતચીતનો વિડિઓ..


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text