વાંકાનેરના વાલાસણ ગામે લોકડાઉન વચ્ચે રૂ.3.95 લાખની ઘરફોડ ચોરી

- text


શનિવારે ધોળે દિવસે બંધ મકાનમાંથી તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરના વાલાસણ ગામે હાલના લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પણ તસ્કરો ચોરીની મેલીમુરાદમાં સફળ થયા હતા. જેમાં એક બંધ મકાનમાં તસ્કરોએ શનિવારે ધોળા દિવસે ખાતર પાડીને રૂ.3.95 લાખની ઘરફોડ ચોરો કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતો વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા ઇબ્રાહિમભાઈ ફતેમામદભાઈના મકાનમાં ગઈકાલે શનિવારે ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા હતા. જો કે તેઓ શનિવારે સવારે આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી કોઈ કામે બહાર ગયા હોય એ સમય દરમિયાન તેમના બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ તેમના બંધ મકાનના તાળા તોડીને અંદર પ્રવેશી ઘરના કબાટમાંથી રૂ.1.55 લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.3.95 લાખના મુદ્દામાલને ઉસેડી ગયા હતા. બાદમાં આ ચોરી થયાની જાણ થતાં મકાન માલિકે અજાણ્યા શખ્સો સામે ચોરીની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

- text