વાંકાનેર : ત્રણ બાળકો સાથે બાઇક પર જતાં દંપતીને બોલરોએ ઠોકર મારતા બાઇકચાલકનું મોત

- text


ત્રણ બાળકો અને પત્નિ સાથે માછીમારી કરીને ઘરે પરત ફરતા યુવાનને રસ્તામાં જ કાળ આંબી ગયો : અકસ્માત સર્જનાર બોલેરો ચાલકની શોધખોળ જારી

વાંકાનેર : તાલુકાના પીપરડી ગામ નજીક એક બાઇક પર પાંચ વ્યક્તિના પરિવારને બોલેરો ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. પત્નિ અને ત્રણ બાળકોની નજર સામે જ ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત સર્જીને નાસી જનાર બોલેરો ચાલકની નંબરના આધારે પોલીસે શોધખોળ આદરી છે.

- text

મૂળ પોરબંદરના ગોસાબારાના વતની અને હાલ થોડા સમયથી વાંકાનેરના પીપરડી ગામે રહેતા સિલેમાનભાઈ હુસેનભાઈ ઠીમર નામનો યુવાન માછીમારીનું મજૂરી કામ કરી પત્નિ અને ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવતો હતો. ગઈ કાલે સંતાનો અને પત્નિ સાથે માછીમારી કરીને બાઇક પર ઘેર પરત ફરતી વખતે પીપરડી નજીક જાલસીકા રોડ પાસે બોલેરો કાર નંબર GJ 3 AX 5182 ના ડ્રાઇવરે પાંચ સવારી બાઇકને સામેની સાઈડથી હડફેટે ચડાવતા સિલેમાનભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના પત્નિ અને ત્રણ સંતાનોને ફેક્ચર સહિતની નાની મોટી ઇજા સાથે હોસ્પિટલ ખસેડાયા હતા. પરિવારમાં મુખ્ય કમાનાર વ્યક્તિના મોતથી પત્નિ સહિત ત્રણ નાના બાળકો નોંધારા બન્યા છે. મૃતક યુવક જેના કોન્ટ્રાકટ હેઠળ કામ કરી રહ્યો હતો એ ઇરફાનભાઈ બ્લોચે વાંકાનેર તાલુકા પો.મથકમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બોલેરો નંબરના આધારે અકસ્માત સર્જીને નાસી જનાર જાલસીકા ગામના ચાલકની શોધખોળ આદરી છે. બનાવની તપાસ વાંકાનેર તા. પો. મથકના એ.એસ.આઈ. વશરામભાઈ મેતા ચલાવી રહ્યા છે.

- text