મોરબી : ક્યાં રાશનકાર્ડ ધારકોને અનાજ સહિતનો પુરવઠો મળશે અને કોને નહીં મળે ? : સત્તાવાર માહિતી જાણો

- text


રાશન વિતરણ અંગે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારે મોરબી અપડેટના માધ્યમથી કરી જરૂરી સ્પષ્ટતા

મોરબી : આજથી ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને કાર્ડ ઉપર અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સર્જાયેલી અસમંજસની સ્થિતિને કારણે રાશન મળવા પાત્ર ન હોય એવા લોકો પણ દુકાનો પર પહોંચી રહ્યા હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જેને લઈને મોરબી અપડેટે જિલ્લા પુરવઠા અધિકારી તેમજ મામલતદાર સાથે વાતચીત કરી હતી જેમાં મળેલી માહિતી પ્રમાણે હાલ અમુક કેટેગરીમાં આવતા લોકોને જ રાશનનો પુરવઠો મળી રહ્યો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

રાશનકાર્ડ મુખ્યત્વે 4 પ્રકારના હોય છે. જેમાં BPL કાર્ડ, અંત્યોદય કાર્ડ, એપીએલ 1 અને એપીએલ 2 પ્રકારના કાર્ડનો સમાવેશ થાય છે. હાલમાં માત્ર બીપીએલ કાર્ડ ધારક અને અંત્યોદય યોજના હેઠળ આવતા એવા લોકોને જ રાશન વિતરિત કરાઈ રહ્યું છે અને તેમાં પણ જેઓ નિયમિતપણે આ કાર્ડ પર રાશનનો જથ્થો મેળવી રહ્યા હતા તેમને જ. આ સ્થિતિની વચ્ચે જે લોકો નિયમિત રાશન મેળવતા ન હતા તેઓના કાર્ડ બ્લોક બતાવી રહ્યા હોય ત્યારે ઘણા દુકાનદારો મામલતદાર ઓફિસે સિક્કો મરાવવા જવાનું કહી રહ્યા છે. પરંતુ આવા લોકો મામલતદાર ઓફિસે સિક્કો મરાવવા ન જાય કેમકે મામલતદાર ઓફિસે આ રીતે સિક્કો મરાવવાની જરૂર જ નથી અને એ પ્રકારની કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી પણ નથી. આવા કાર્ડ ધારકોની યાદી અમોને પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર તરફથી મળી જતા એવા ગ્રાહકોને આપોઆપ રાશન મળી રહેશે.

જે લોકોનો NFSA કેટેગરી એટલે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળની યાદીમાં સમાવેશ થયેલો છે તેઓને હાલ રાશન વિતરણ થઈ રહ્યું છે. જો કે જે લોકોએ NFSA હેઠળ પોતાના પરિવારનું નામ દાખલ કરવા માટે ફોર્મ ભર્યા છે તેઓ માટેની પ્રક્રિયા અત્યારે હાથ પર જ છે. તેઓને મેં મહિના પહેલા રાશન મળતું થઈ જાય તેવા પ્રયાસો હાલ ચાલી રહ્યા છે.

હાલના તબક્કા બાદ અન્નબ્રહ્મ યોજના હેઠળ બાકીના લોકોને સમાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે યોજના અંતર્ગત જરૂરિયાતમંદ દરેક એવા પરિવારોનો સમાવેશ કરવામાં આવશે કે જેઓ અન્ય પ્રાંતમાંથી રોજગાર અર્થે અલગ અલગ જગ્યાઓ પર જઈને વસતા હોય. જેમ કે ઉત્તર ગુજરાત કે દાહોદમાં વસતુ કોઈ પરિવાર સૌરાષ્ટ્રમાં રોજગારી અર્થે સ્થળાંતરીત થઈને આવેલું હોય તો તેઓનું રાશનકાર્ડ મૂળત: ઉત્તર ગુજરાત કે ગોધરાનું હોય અહીં તેઓને રાશન મળતું નથી. પણ અન્નબ્રહ્મ યોજના હેઠળ તેઓને આવરી લેવાતા હવે તેઓને ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં રાશન પ્રાપ્ય થાય તેવું આયોજન હવે થશે.

- text

હાલ AAY કુટુંબોને 25 કિલો ઘઉં, 10 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો મીઠું આપવામાં આવી રહ્યું છે. દાળનો પર્યાપ્ત જથ્થો ઉપલબદ્ધ ન હોવાથી ઘણા દુકાનદારો જે ચીજ-વસ્તુ ઉપલબદ્ધ છે તેનું વિતરણ કરી રહ્યા છે. દાળ, ચોખા કે ખાંડનો જથ્થો જેઓને નથી મળ્યો તેવા લોકોને માલ આવ્યે દુકાનદાર દ્વારા ફોન કે મેસેજથી જાણ કરવામાં આવશે ત્યારે ફરી એકવાર દુકાને જવાથી એ પ્રાપ્ત થશે.

હાલ રાશન પ્રાપ્ત કરવા માટે લાયકાત ધરાવતા અને નોંધાયેલા તમામ ગ્રાહકોને 3 દિવસની અંદર અન્નનો પુરવઠો પુરી પાડી દેવાનું સરકારનું લક્ષ્યાંક છે, પણ એનો અર્થ એવો નથી કે બાકી રહી ગયેલાઓને ત્યાર બાદ રાશન નહીં મળે. ત્રણ દિવસ બાદ પણ બાકી રહી ગયેલા લોકોને રાશનનો જથ્થો મળી જ રહેશે તેવું મામલતદાર કચેરીના પુરવઠા અધિકારી મહેતાભાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે લોકો ખોટી ઉતાવળ ન કરે તેમજ દુકાનો પણ નાહકની ભીડ ન કરે, ટોકન સિસ્ટમથી પુરવઠાની વિતરણ વ્યવસ્થા ગોઠવાયેલી છે તેમાં સહકાર આપે. જે લોકો અગાઉ કાર્ડ પર અનાજ મેળવતા હતા તેઓને જ હાલ અનાજ વિતરણ થઈ રહ્યું છે. અન્યો માટે 4 તારીખ બાદ સરકાર જાહેરાત કરશે ત્યાં સુધી પાત્રતા ન ધરાવતા લોકો રાશનની દુકાન પર ધક્કા ન ખાય.

ઉલ્લેખનીય છે કે રાશનકાર્ડ પર નિઃશુલક અનાજ વિતરણ થવાની જાહેરાત બાદ પાત્રતા ન ધરાવતા લોકો પણ દુકાનો પર ઉમટી રહ્યા છે. જેનાથી સોશિયલ ડિસ્ટન્ટ ન જળવાતા ઘણી જગ્યાઓ પર પોલીસ, હોમગાર્ડ તેમજ તલાટીઓની સેવા પણ લેવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને જેઓના કાર્ડ પર APL લખેલું છે અને જેઓએ ક્યારેય પણ રાશનકાર્ડ પર અનાજ, ખાંડ, ચોખા સહિતનો જથ્થો મેળવેલો જ નથી તેઓ દુકાનો સુધી ધક્કા ન ખાય એવી અપીલ મોરબી ગ્રામ્ય મામલતદાર જાડેજાએ લોકોને કરી છે.


રાશનના વિતરણ બાબતે મોરબીના મામલતદાર ડી.જે. જાડેજા અને પુરવઠા વિભાગના નાયબ મામલતદારએ મોરબી અપડેટ સાથેની મુલાકાતમાં શું માહિતી આપી..જુઓ વિડિઓ..


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text