મોરબી જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાતમંદો માટે ખડેપગે

- text


મોરબી : કોરોનાના કહેર વચ્ચે જયારે લોકો પોતાના ઘરે રહેવા માટે મજબૂર છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ અને પરોપકારી લોકો જરૂરિયાતમંદો માટે સેવા કરી રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી વિવિધ પ્રકારે સેવા આપવા માટે લોકોમાં તત્પરતા જોવા મળી રહી છે. જેને પગલે લોકડાઉનના કારણે રોજનું રોજ કમાઈને જીવન ગુજારતા લોકોને સહાય પ્રાપ્ત થાય છે. જે ખૂબ જ ઉમદા અને પ્રસંસનીય કાર્ય છે.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઇ રબારીને મળેલી માહિતી મુજબ પીપળીયા ચોકડી નજીક ૪૫ પરીવાર ભૂખ્યા રહેતા હોઇ. જેની ખરાઇ કરીને તાત્કાલિક યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો દ્વારા તેઓને રાશન કિટનું વિતરણ કરીને નૈતિક ફરજ અદા કરવામાં આવી હતી. તથા આ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં આશરે 3000 જેટલી કીટોનું વિતરણ કરી લોકોની સહાય કરવામાં આવી છે. તેમજ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ 2000થી વધુ જરૂરિયાતમંદ લોકોને ઘરે-ઘરે જઈ ફૂડ પાર્સલ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ક્રિપાલસિંહ ઝાલાની આગેવાનીમાં ગુરુકૃપા હોટલથી શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા રોજ આશરે 2000 લોકો માટે સાંજના સમયે જમવા માટે ફૂડ પાર્સલની વ્યવસ્થા કરવામાં આવી છે.

મોરબીની જીએસટીવીની ટીમ અને ઉદ્યોગપતિ જીગ્નેશભાઈ કૈલા સહીતની ટીમ દ્વારા વતન પરત ફરી રહેલા તેમજ રોજનું કમાઈને રોજનું ભોજન કરતા લોકોને ગરમા-ગરમ ભોજન મળી રહે એ માટે ફૂડ પેકેટ તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીના નવલખી બાયપાસ ફાટક પાસે ટ્રાફિક જવાન રાહુલભાઇ વિનોદભાઈ સોલંકી અને વસંતભાઈ જાલોડિયા તરફથી ત્યાં ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને જમવાનુ આપેલ હતું અને હજી જેટલા પણ દિવસ લોકડાઉન રહેશે ત્યાં સુધી જમવાનુ પૂરું પાડવામાં આવશે. તેમજ ઘુંટુ ગામના કનૈયા ગ્રુપ દ્વારા ફરજ પર રહેલ પોલીસ જવાનો તેમજ હોસ્પિટલ સ્ટાફ, દર્દીઓ અને તેમના સગાઓ માટે ચા-પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

ટંકારાના લખધીરગઢના રહેવાસી હિરેન કકાસણીયા અને ભગત કકાસણીયા એ જબલપુર રોડ પર તેમજ લજાઈ ચોકડીથી વાંકાનેર રોડ પર પોતાના માદરે વતન ચાલીને જઈ રહેલા દાહોદ-ગોધરાના આશરે ૨૦૦ પરપ્રાંતિઓને ફ્રુડપેકેટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી. તેમજ ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિતભાઇ કગથરા દ્વારા ફુડ પેકેજ તેમજ માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે. ડી. પડસુબિયા, મિલન સોરીયા તથા કોંગ્રેસ કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.

વાંકાનેરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ‘સેવા ભારતી’ સૌરાષ્ટ્ર પ્રાંત તરફથી પાંચ-છ વ્યકિતઓના પરિવારોને ધ્યાનમાં રાખી એક અઠવાડિયા માટે ઘઉંનો લોટ, કપાસીયા તેલ, મગદાળ, ચોખા, ખાંડ તથા ચાની કીટ બનાવી પ૦ જરૂરીયાતમંદ લોકોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલમાં કામચલાઉ સફાઇ કામ કરતાં કર્મચારીઓ તથા બહેનો મળી કુલ ૧૭ કુટુંબોને પણ આવી એક કીટ વેપારી જીતેશભાઇ કુંઢીયા તરફથી આપવામાં આવી હતી.

સેવાભાવી લોકોના પ્રયાસોથી માણસોને તો ભોજનની વ્યવસ્થા થઇ શકે પરંતુ અબોલ જીવોની પણ ચિંતા કરવી એ માનવ ધર્મ છે. ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી શહેરમા અલગ-અલગ જગ્યાએ ઘાસચારા નાખીને પશુઓની આંતરડી ઠારવામાં આવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી સહીત વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.)ના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ પછાત વિસ્તારમાં તથા હોસ્પિટલોમાં જઈ જરૂરી સેવાઓ આપી હતી. તેમજ પશુ-પંખીઓને પણ ખોરાક પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરી સેવાની સુગંધ પ્રસરાવી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text