મોરબી સિરામિક એસો. કાલે કલેકટર સમક્ષ ફેકટરીના શટ ડાઉન માટે એકથી બે દિવસનો સમય માંગશે

સતત પ્રક્રિયાવાળા ઉદ્યોગોને શટ ડાઉનની મુદતમાં થોડી છૂટછાટ મેળવવા જિલ્લા કલેકટરની મંજુરી લેવા સરકારની સૂચના

મોરબી : આજે રાત્રે 12 વાગ્યાથી મોરબી સહિત સમગ્ર ગુજરાત લોકડાઉન થવાનું છે. ત્યારે સરકારની સૂચના મુજબ સતત પ્રક્રિયાવાળા ઉદ્યોગોને શટ ડાઉનની મુદતમાં થોડી છૂટછાટ મેળવવા માટે જિલ્લા કલેકટરની મંજૂરી મેળવવાની હોય છે. જે મુજબ મોરબીનું સીરામીક એસો. એકથી બે દિવસની મુદત લેવા માટે જિલ્લા કલેકટર સમક્ષ આવતીકાલે રજુઆત કરવાનું છે.

આ અંગે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ જણાવ્યું કે આજે રાતે 12 વાગ્યાથી ગુજરાત લોકડાઉન હોવાનુ સરકાર દ્વારા જાહેર કરેલ છે ત્યારે સતત પ્રકીયાવાળા ઉદ્યોગો માટે એકથી બે દિવસ શટડાઉન માટેનો સમય લેવા માટે આવતીકાલે કલેક્ટરની મંજુરી લેવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું કે સિરામીક ઉદ્યોગોએ એકથી બે દિવસમાં શટ ડાઉન કરવુ પડશે. જો કે આ દરમિયાન પ્લાન્ટ ચાલુ હોય ત્યારે કોઈ વ્યક્તિ અંદરથી બહાર કે બહારથી અંદર ન આવે તેની ખાસ તકેદારી તમામ ઉદ્યોગકારો રાખશે. એક એક્સપર્ટને જ શટ ડાઉન માટે બહારથી અંદર આવવા દેવાનો રહેશે. તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.