મોરબી : રંગપર નજીક હિટ એન્ડ રનના બનાવમાં યુવકનું મોત

- text


મોરબી : મોરબી-જેતપર રોડ પર રંગપર ગામની સીમમાં એક અજાણ્યા ડમ્પર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવી એક શ્રમિક યુવકને હડફેટે લેતા તેનું મોત થયું છે. મૃતકના પિતાએ અજાણ્યા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી અકસ્માત સર્જનાર ડ્રાઇવરની શોધખોળ આદરી છે.

- text

મોરબી-જેતપર રોડ પર આવેલા રંગપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસેથી મનસુખભાઇ નરશીભાઈ વાઘેલનો પુત્ર ગત તારીખ 12ના રોજ સાંજે પાંચેક વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો એ દરમ્યાન કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે જોખમી રીતે તેનું વાહન ચલાવી ફરિયાદીના પુત્રને હડફેટે લીધો હતો. અકસ્માત સર્જીને ડ્રાઇવર પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોંચી હતી. જેનું સારવાર દરમ્યાન મોત નિપજતા મૃતકના પિતાએ મોરબી તા. પો. મથકમાં ફરિયાદ નોંધાવતા તા.પો.મથકના પો.સબ.ઇન્સ. એ.વી.ગોંડલીયાએ ફરાર ડમ્પર ચાલકની શોધખોળ આદરી છે.

- text