મોરબીના વાંકડા ગામે યુવાનો રંગના બદલે એકમેકના કપડાં ફાડી અને કોથળા ફટકારીને રમ્યા હોળી

ગામના યુવાનો વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ ધુળેટી મનાવી

મોરબી : સામાન્ય રીતે, એકમેક ઉપર રંગ ઉડાડીને ધુળેટીનું પર્વ ઉપજાવવાની વર્ષોથી પરંપરા છે. પણ મોરબીનું એક એવું ગામ છે. જ્યાં યુવાનો રંગોથી રમતા નથી. પણ અનોખી રીતે મનાવે છે ધુળેટીનું પર્વ. જેમાં મોરબીના વાંકડા ગામના યુવાનોએ એકમેકના કપડાં ફાડીને શણના કોથળા ફટકારીને ધુળેટીનું પર્વ અનોખી નિર્દોષ ધમાલ મસ્તી સાથે ઉજવ્યું હતું. મોરબીના વાંકડા ગામે યુવાનોએ અનોખી રીતે ધુળેટીના પર્વની ઉજવણી કરી હતી. જેમાં ગામના યુવાનોએ રંગોથી ધુળેટી રમવાને બદલે વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા અનુસાર ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. જેમાં યુવાનો ધુળેટીના પર્વએ ભેગા થઈને વૃક્ષ સાથે રમત રમીને એકબીજાના કપડાં ફાડી અને ઉપરથી ભીના શણના કોથળા ફટકારીને અનોખી નિર્દોષ ધમાલ મસ્તી સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.

મોરબીના વાંકડા ગામના યુવાનોએ રંગોત્સવની અનોખી રીતે ઉજવણી કરવાની પરંપરા અંગે વિગતવાર માહિતી આપી હતી કે ધુળેટીના દિવસે અમારા ગામના યુવાનો કલરોથી હોળી રમતા નથી. એના બદલે ભીના શણના કોથળાથી રમીને ધુળેટીનું પર્વ ઉજવીએ છીએ, જેમાં ધુળેટીના દિવસે સવારે ગામના ચોકમાં વીસેક જેટલા યુવાનો ભેગા થાય છે અને ઘટાદાર લીમડાના વૃક્ષની એક મોટી ડાળખી કાપીને ગામના ચોકમાં જમીનમાં ખોડી દેવામાં આવે છે. બાદમાં યુવાનોની બે ટુકડી પાડી દેવામાં આવે છે. જેમાં એક યુવાનોની ટુકડી લીમડાની જમીનમાં ખોડેલી ડાળખી ઉખેડવાનો પ્રયાસ કરે કે તરત જ બીજી યુવાનોની ટુકડી એના પર કપડાં ફાડી તથા ભીના કરેલા શણના કોથળા ફટકારે છે. આ રીતે રમત રમીને એકબીજા ઉપર યુવાનો ભીના કરેલા શણના કોથળા ફટકારીને ધુળેટી મનાવે છે. આશરે છેલ્લા 15 વર્ષથી યુવાનો અનોખી રીતે ધુળેટી પર્વ મનાવે છે અને આ રીતે જ અનોખી રીતે ધુળેટી પર્વ મનાવ્યું હતું.