મોરબીના સો ઓરડી વિસ્તારના પ્રશ્નો હલ કરવા આપ પાર્ટીની પાલિકા તંત્રને રજુઆત

આમ આદમી પાર્ટીએ રાત્રીસભા કરીને સો ઓરડીના રહીશો પાસેથી વિવિધ સમસ્યાઓની વિગતવાર માહિતી લઈને પાલિકા તંત્ર સમક્ષ પહોંચાડી

મોરબી : મોરબી શહેરના તમામ વિસ્તારોની સમસ્યાઓની વિગતો મેળવીને તેના ઉકેલને અંતે તંત્ર સુધી પહોંચડાવા માટે આમ આદમી પાર્ટી દ્વારા રાત્રીસભા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સો ઓરડી વિસ્તારમાં આપ પાર્ટી દ્વારા રાત્રીસભા કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીએ સો ઓરડીના રહીશો પાસેથી વિવિધ સમસ્યાઓની વિગતવાર માહિતી લઈને પાલિકા તંત્ર સમક્ષ પહોંચાડીને આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા હાલ મોરબી શહેરમાં દર શનિવારે રાત્રીસભાઓ કરી પ્રજાની સમસ્યાઓ સાંભળી રહી છે ત્યારે તાજેતરમાં મોરબી-૨માં આવેલ સો ઓરડી વિસ્તાર ખાતે રાત્રી સભા કરવામાં આવી હતી અને આ રાત્રીસભામાં સ્થાનિક રહીશોએ અનેક સમસ્યાઓ અંગે બળાપો ઠાલવ્યો હતો. આગેવાનો સાથે ચર્ચા કરતા સોઓરડી વિસ્તારના રહેવાસીઓએ પોતાની સમસ્યાઓ જણાવી હતી કે, ડોર ટુ ડોર રોજ કચરો લેવા રોજ કોઈ આવતું નથી. મચ્છર મારવા દવાનો છટકાવ કરવા પણ કોઈ આવતું નથી. ભૂગર્ભ નિકાલની ભારે સમસ્યા છે. મેઈન રોડ પર અને શેરીઓની બંધ સ્ટ્રીટ લાઈટ ફરિયાદ કરવા છતાં રીપેર થતી નથી. મેઇન રોડ અડધો સફાઇ કરવામાં આવે છે. શેરીઓ સફાઇ થતી નથી. મોટા ભાગની શેરીઓમાં રોડ નથી. પીવાનું પાણી સમયસર આવતું નથી. ક્યારેક રાત્રે ૧૧ વાગ્યા પછી આવે છે. આવાસ યોજનાના ફોર્મ વર્ષોથી ભર્યા છે, મકાન ફાળવણી થતી નથી. આથી, આમ આદમી પાર્ટીએ આ વિસ્તારની તમામ સમસ્યાઓ અંગે પાલિકાને રજુઆત કરીને વહેલી તકે ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.