મોરબી પાલિકામાં છેલ્લા બે માસમાં અધધધ 510 ભૂગર્ભ ગટર ઉભરાવવાની ફરિયાદ

- text


દરરોજ દસથી વધુ ભૂગર્ભ ઉભરાવાની ફરિયાદ આવવા છતાં તાબોટા પાડતું તંત્ર

મોરબી : મોરબી નગરપાલિકા તંત્ર ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા હલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તેનો પુરાવો ખુદ સરકારી આકડા જ આપી રહ્યા છે. જેમાં મોરબી પાલિકામાં છેલ્લા બે માસમાં 510 જેટલી ભૂગર્ભ ગટર ઉભરવાની ફરિયાદ આવી હતી. આ ફરિયાદોમાં ગત જાન્યુઆરી માસમાં 292 અને તેમાંથી વધીને ફ્રેબ્રુઆરી માસમાં 318 ભૂગર્ભ ગટર ઉભરાવવાની ફરિયાદ આવી છે. અને ચાલુ માસના આકડા તો હજુ બાકી છે. જો કે દરરોજ 10 થી વધુ ભૂગર્ભ ગટર ઉભરાવવાની ફરિયાદ આવે છે છતાં પણ તંત્ર તાબોટા જ પાડતું હોવાથી લોકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે.

મોરબીમાં થોડા વર્ષો અગાઉ નખાયેલી ભૂગર્ભ ગટર ચારેકોરથી ગંદકી ઓકી રહી છે. જેમાં કાલિકા પ્લોટ, લાતી પ્લોટ, સાવસર પ્લોટ, મહેન્દ્રપરા, માધાપર, સરદાર બાગ પાસે, સામાંકાઠે રિલીફ નગર, અરુણોદયનગર, વર્ધમાન નગર, રામકૃષ્ણનગર, સો ઓરડી સહિતના અનેક વિસ્તારોમાં ઘણા સમયથી વારંવાર ભૂગર્ભ ગટરની ગંદકી ઉભરાઈ છે. ગટરના ગંદા પાણી શેરી અને ઘરોમાં ઘુસી જતા સ્થાનિક લોકોનું જીવવું હરામ થઈ ગયુ છે. ભૂગર્ભ ગટરની ગંદકીના કારણે આખા શહેરમાં જાણે મચ્છર સેના ઉતરી આવી હોય તેમ મચ્છરોનો ભયકર ત્રાસ રહે છે. તેથી, લોકોનું અયોગ્ય પણ જોખમાય રહ્યું છે. આ ગંભીર સમસ્યાની ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિક લોકોને વારંવાર પાલિકામાં મોરચા માંડવા પડે છે. તેમ છતાં પણ તંત્રની ઉંઘ ન ઉડતા લોકોનું અયોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે.

ભૂગર્ભ મુદ્દે બે તંત્ર વચ્ચે ક્યારે સંકલન સધાશે?

- text

ભૂગર્ભ ગટર મુદ્દે બે તંત્ર વચ્ચે હજુ સુધી સંકલન સધાયું નથી. જેમાં અગાઉ પાણી પુરવઠા તંત્રએ નવી ભૂગર્ભ ગટર યોજના કાર્યરત કરી હતી. પણ એમાં અનેક પ્રકારની ખામી રહી જતા પ્રારંભે જ ગટર ઉભરાવવાની સમસ્યા વકરી છે. તેથી, હજુ સુધી એના મેઇન્ટન્સના વાંકે પાલિકા તંત્રએ પાણી પુરવઠા પાસેથી ભૂગર્ભની જવાબદારી સ્વીકારી નથી. આ બાબતે બન્ને તંત્ર વચ્ચે ક્યારે સંકલન થશે તે કહેવું મુશ્કેલ છે.

- text