હાય રે કળયુગ… હળવદમાં બે સંતાનોની માતા લવરમૂછિયા પ્રેમી સાથે ભાગ્યા બાદ બીજા જ દિવસે ફરી પ્રેમીના મિત્ર સાથે ભાગી.!!

- text


  •  ૨ મહિનાની ફેસબુક ફ્રેન્ડશીપથી પ્રેમ પાંગરતા ટંકારાનો યુવાન પરિણીતાને ભગાડી ગયો, પૈસા ન હોવાથી યુવાને પરિણીતાને મિત્રના ઘરે રાતવાસો કરાવડાવ્યો, ત્યાં એક રાતમાં ફરી બીજા સાથે પ્રેમ પાંગરતા પરિણીતાએ પ્રેમી બદલાવી નાખ્યો

  • સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ માત્ર વ્યક્તિને પોતાને જ નહીં , પરિવારને અને સર્વ સમાજને પણ ધંધે લગાડી શકે છે તેનો જીવતો જાગતો દાખલો જોવા મળ્યો : પોલીસે માનવતાવાદી અભિગમ અપનાવી મહામહેનતે પરિણીતાને સમજાવીને પિયર મોકલી

હળવદ : સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ માત્ર વ્યક્તિને પોતાને જ નહીં પરંતુ સમગ્ર પરિવારને અને સર્વ સમાજને ક્યારેક ધંધે લગાડી શકે છે. આ વાતની પ્રતીતિ કરાવતો કિસ્સો આજે હળવદમાં સામે આવ્યો છે. જેમાં એક પરિણીતાએ નવું નવું ફેસબુક ચાલુ કર્યું અને લવરમૂછિયા સાથે ફ્રેન્ડશીપ કરી લીધી હતી. માત્ર બે જ મહિનામાં વાત એટલે સુધી પહોંચી ગઈ કે લવરમૂછિયા યુવાન તેને ભગાડી ગયો બાદમાં યુવાન પાસે પૈસા ન હોય તેને પરિણીતાને પોતાના મિત્રના ઘેર આશરો આપ્યો અને બીજે જ દિવસે પરિણીતા મિત્ર સાથે ભાગી છુટી હતી. આ પ્રેમ પ્રકરણમાં વારે ઘડીયે પ્રેમી બદલતો હોય સમગ્ર પંથકમાં આ પ્રકરણે સનસનાટી મચાવી દીધી છે.

આ ચોંકાવનારા બનાવની મળતી વિગતો અનુસાર માળિયાના ખીરઈ ગામની યુવતીના લગ્ન આજથી પાંચ વર્ષ પૂર્વે હળવદના અમરાપર ગામે થયા હતા. લગ્નના એક વર્ષના ગાળામાં આ પરિણીતાએ જોડિયા સંતાનોને જન્મ આપ્યો હતો. હાલમાં આ સંતાનો ચાર વર્ષના છે. આ પરિણીતાએ ટાઈમપાસ માટે પોતાના મોબાઈલમાં ઇન્ટરનેટનો વપરાશ કરવાનું ચાલુ કર્યું અને એક દિવસ ફેસબુકની આઈડી બનાવી હતી. ફેસબુકની આઈડી બનાવ્યા બાદ તેને ટંકારાના એક ૨૩ વર્ષના લવરમૂછિયા યુવાનની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. બસ ત્યારબાદ બન્ને વચ્ચે થતા દિવસ રાત ચેટિંગના કારણે પરિણીતાએ પોતાના સંતાનોની પરવા કર્યા વગર યુવાન સાથે પ્રેમ સબંધ બાંધી લીધો. વાત એટલે સુધી સીમિત ન રહી અને ગત તા.૨૮ ફેબ્રુઆરીના રોજ લવરમૂછિયા યુવાન બાઈક લઈને પરિણીતાને ભગાડી ગયો. પરિણીતા પણ પોતાના પતિ,સંતાનોની ચિંતા છોડીને યુવાન સાથે ભાગી ગઈ. બાદમાં એકા દ બે દિવસ બન્ને સાથે રખડ્યા હતા. હવે યુવાને ઉતાવળમાં આવું મોટું પગલું તો ભરી લીધું પણ પૈસાનો મોટો પ્રશ્ન સર્જાયો હતો.

- text

તેની પાસે પરિણીતાને સાચવવાના પૈસા ન હતા. જેથી તેને એવો નિર્ણય લીધો કે પરિણીતાને તે પોતાના મિત્રના ઘેર મૂકીને પૈસાનો બંદોબસ્ત કરી લ્યે. બસ અહીંથી બનાવમાં નવો વણાંક આવ્યો. પરિણીતા માત્ર એક જ દિવસ તેના પ્રેમીના મિત્રને ત્યાં રોકાઈ અને તે પ્રેમીને જ ભૂલીને તેના મિત્રના પ્રેમમાં પડી ગઈ. અને પ્રેમીના મિત્ર સાથે ફરી ભાગી ગઈ. આટલું થયા બાદ ફિલ્મી સ્ટોરીની જેમ જ પરિણીતાનો પિયર પક્ષ, સસરા પક્ષ તેમજ જુનો પ્રેમી અને તેનો પરિવાર પરિણીતા અને તેના નવા પ્રેમીને શોધવાના કામે લાગી ગયા હતા. આ મામલો પોલીસ મથક સુધી પણ પહોંચી ગયો હતો. પોલીસની મદદથી બન્ને પ્રેમી પંખીડા ટંકારા તાલુકાના મોડપર ગામના પાટી પાશેથી મળી આવ્યા હતા. બસ આ ઘટના બાદ પોલીસની સાચી કસરત શરૂ થઈ ગઈ હતી. પોલીસ માનવતાના ધોરણે પરિણીતાને સમજાવતી રહી કે તે પોતાના સાસરે અથવા તો પિયર ચાલી જાય. જો તે આડા અવળો કોઈ નિર્ણય લેશે તો તેના બંને સંતાનો રઝળી પડશે. સામે પરિણીતા પણ તેના નવા પ્રેમી સાથે જવાની જીદમાં ટસની મસ ન થઈ. અંતે પીઆઇ સંદીપ ખાંભલા અને કોન્સ્ટેબલ તેજસ પટેલ સહિતના પોલીસ સ્ટાફે મહામહેનતે પરિણીતાને સમજાવીને પિયર જવા સહમત કરી હતી.

આ બનાવથી સ્પષ્ટપણે કહી શકાય કે એન્ટરટેઇન્મેન્ટ ની સરળતા માટે બનેલા સોશિયલ મીડિયાનો દુરુપયોગ ઘણી વખત કોઈના ઘરને ઉજાડી પણ શકે છે. આજે સોશિયલ મીડિયાનો અતિરેક અનેક નવા દુષણો ફેલાવી રહ્યો છે. જો કે સોશિયલ મીડિયાના ઘણા સદુપયોગો પણ છે. પરંતુ તેના સદુપયોગથી વધુ તેના દુરુપયોગ વધી રહ્યા છે. માટે આ બાબતે ઘણી જાગૃતતા કેળવવાની જરૂર છે.

- text