બેંક લૂંટ પ્રકરણમાં ફરાર મુખ્ય સૂત્રધાર ટ્રક ડ્રાઇવર મોરબીના રોડ રસ્તાથી હતો વાકેફ

- text


વારંવાર ટ્રક લઈ મોરબી આવતો હોવાથી રસ્તાનો જાણકાર ડ્રાઈવર રાણો પોલીસને હાથતાળી આપવામાં રહ્યો હતો સફળ 

મોરબી : મહેન્દ્રનગર પાસે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં 6.44 લાખની લૂંટમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર લૂંટારુઓને ગ્રામજનોના સહકારથી ઝડપી પાડ્યા હતા જ્યારે બે લૂંટારુઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. જે બે પૈકી એક આરોપી મોરબીમાં આવવા જવાના રસ્તાથી સારી રીતે વાકેફ હોય પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યો હોવાનુ ઝડપાયેલા ચારની વિસ્તૃત પૂછપરછમાં સામે આવ્યુ છે.

મહેન્દ્રનગર ગામ નજીક આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં ગત 20 ફેબ્રુઆરીના રોજ ભરબપોરે રિવોલ્વર સહિતના હથિયારો સાથે 6.44 લાખ રૂપિયાની દિલધડક લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસની ત્વરિત કામગીરીથી કારમા નાસેલા ચાર આરોપીઓને હથિયાર તેમજ મુદ્દામાલની રકમ સાથે ગ્રામજનોની સહાયથી પોલીસે ગણતરીના કલાકોમાં જ હળવદ રોડ પર નાકાબંધી કરીને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય કારમા ગુન્હાના માસ્ટર માઈન્ડ એવા રણજીતસિંગ ઉર્ફે રાણો બલવિંદરસિંગ મઝબી ઉં.વ.25 તથા સોનુસિંગ સતનામસિંગ જાટ ઉં.વ.24 નાસી છૂટવામાં સફળ થયા હતા. ઝડપાયેલા ચારેય આરોપીની રિમાન્ડ દરમ્યાન ચાલી રહેલી પૂછપરછમા ખુલાસો થયો છે કે નાસી છુટેલો રાણો અને સોનુ પૈકી રાણો ટ્રક ડ્રાઈવર હોય વારંવાર મોરબી આવતો હતો. જેથી મોરબીથી બહાર નીકળવાના તમામ નાનામોટા રસ્તાઓથી તે વાકેફ હતો. મોરબી આવન-જાવનના કારણે હાઇવે રોડ પર બેંક આવેલી છે જ્યાં લૂંટ થઈ શકે એમ છે એવુ નક્કી કરનાર પણ રણજીતસિંગ ઉર્ફે રાણો જ હતો. આથી તેણે જ લૂંટનો આખો પ્લાન ઘડી કાઢી પંજાબના કુખ્યાત ગુનેહગારોની ટોળકી બનાવી સમગ્ર બનાવને અંજામ આપ્યો હતો.

- text

હળવદ રોડ પર પોલીસની ગાડી સાથે ભેટો થઈ જતા બન્ને કારો અલગ પડી ગઈ હતી. રાણો રસ્તાનો જાણકાર હોવાથી તે ક્રુઝ ગાડીમાં જિલ્લા બહાર નાસી છૂટવામાં સફળ થયો હતો જ્યારે હથિયાર અને મુદ્દામાલ સાથેની સ્વીફ્ટ કારમાં રહેલા ચાર આરોપીઓ રસ્તાની ચોક્કસ જાણકારીના અભાવે ખેતરડી અને ચૂંપણી ગામ પાસે ગ્રામજનોએ કરેલી નાકાબંધીમાં અટવાઈ ગયા હોય કાર મૂકીને ખેતરમાં નાસ્યા હતા. જે ખેતરને પોલીસ તેમજ ગ્રામજનોએ કોર્ડન કરી આરોપીઓને દબોચી લીધા હતા. નાસી છૂટેલા બન્ને આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. જો કે આરોપીઓ પંજાબના તરનતારન વિસ્તારના છે તે માહિતી પોલીસને ઝડપાયેલા ચાર આરોપીઓ પાસેથી જાણવા મળી છે જેને પકડવા માટે પોલીસ હજુ પંજાબ તપાસાર્થે ગઈ નથી તેવુ જાણવા મળ્યુ છે.

- text