ટંકારા : ગ્રામજનોની આત્મવિલોપનની ચીમકી પગલે તંત્ર દોડ્યું : વીજપોલ મામલે યોગ્ય કાર્યવાહીની ખાતરી

- text


પોલીસ, વીજતંત્ર, તાલુકા પંચાયત સહિતનાએ ગ્રામજનો સાથે ગ્રામસભા કરીને તેમની માંગ સતોષવાની કાર્યવાહી હાથ ધરાઈ

ટંકારા : ટંકારાના હરિપર ગામે આવેલ વોકળામાં 3 વીજપોલ નાખવા મામલે ગ્રામજનોને વિરોધ નોંધાવ્યો છે. આ મામલે જેટકોને અનેક રજુઆત કરવા છતાં કોઈ પરીણામ ન મળતા અંતે ગ્રામજનોએ આજે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે તંત્ર દોડ્યું હતું અને પોલીસ, વિજતંત્ર, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હરિપર ગામે દોડી જઈને વીજપોલ મામલે ગ્રામજનોને કોઈપણ રીતે નુકશાન ન થાય તે રીતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

ટંકારાના હરિપર ગામે જેટકો દ્વારા વોકળામા 3 વીજપોલ નાખવામાં આવ્યા છે. આ વોકળામાં ગામનું પાણી ભરાય છે. ચોમાસામાં પાણી નિકાલ થવું અઘરું હોય, તેમાં પણ આ મોટા વિજપોલના કારણે પાણી નિકાલનો પ્રશ્ન ઘેરો બની જશે. આ વીજપોલ નડતરરૂપ હોવાથી ગ્રામ પંચાયત દ્વારા જવાબદાર અધિકારીને અનેકવાર રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં આ વીજપોલ હટાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી, ગ્રામજનો દ્વારા આજે શનિવારે વીજપોલના વિરોધમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવી હતી. જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગતરાત્રથી જ ગ્રામજનો સાથે વિચારણા કરવાનો ધમધમાટ શરૂ કરાયો હતો. જેમાં ટંકારાના મહિલા પીએસઆઇ એલ.પી.બગડા, જેટકોના ડે. એન્જિનિયર, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હરિપર ગામે દોડી ગયા હતા અને ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી હતી.

- text

જેટકો દ્વારા આ વીજપોલ મામલે ગ્રામજનોની માંગણી મુજબ કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે અને ગ્રામજનોને માગણી મુજબ તેઓ જ્યાં કહે ત્યાં વીજપોલ નાખવાની વાતને સમર્થન આપ્યું છે. જ્યારે આ મામલે જેટકોના એન્જિનિયર છૈયાએ જણાવ્યું હતું કે આ મામલે જિલ્લા કલેકટર સાથે વાત કરી હોય અને કલેકટર હુકમ આપે તે હુકમનું ચુસ્તપણે પાલન કરાશે. સાથેસાથે ગ્રામજનો કહેતા હોય તો એવી ખાતરી આપીએ છીએ કે આ વીજપોલથી કોઈને નુકશાન નહિ થાય છતાં પણ લોકો કહેતા હોય અને ગ્રામ પંચાયત લેખિતમાં જગ્યા આપવાની બાંહેધરી આપે ગ્રામજનોની માંગણી મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હાલ આ ગામમાં અધિકારીઓએ ગ્રામજનો સાથે ગ્રામસભાનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે ગ્રામજનોનું કેવું વલણ રહેશે એ જોવાનું રહ્યું.

- text