મોરબી : મુખ્યમંત્રી આવાસોમાં પાણી પ્રશ્ને સ્થાનિકોનું પાલિકામાં હલ્લાબોલ

- text


સ્થાનિક રહીશોએ મુખ્યમંત્રી આવાસોમાં ગેરકાયદે રહેતા લોકોની રંજાડ, પાણી સહિત પ્રાથમિક સુવિધાના પ્રશ્ને પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબીના લીલાપર રોડ પરના મુખ્યમંત્રી આવાસોમાં ગેરકાયદે રહેતા લોકોની રંજાડ, પાણી, ગટર સહિત પ્રાથમિક સુવિધાના પ્રશ્ને સ્થાનિક લોકોએ આજે પાલિકા કચેરીમાં હંગામો મચાવ્યો હતો. સ્થાનિક લોકોએ છેલ્લા ત્રણ વર્ષથી પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાના પ્રશ્ને ભોગવવી પડતી હાલાકીની હૈયાવરાળ ઠાલવી હતી અને આ તમામ સમસ્યાઓનું યોગ્ય રીતે ઝડપથી નિરાકરણ લાવવાની માંગ કરી હતી.

- text

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસોમાં રહેતા આશરે 50 જેટલા લોકો આજે વિવિધ પ્રશ્નોની રજુઆત કરવા માટે પાલિકા કચેરીએ દોડી ગયા હતા અને પાલિકા તંત્ર સમક્ષ બળાપો ઠાલવ્યો હતો કે મુખ્યમંત્રી આવાસ યોજનામાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રાથમિક સુવિધા મામલે પાલિકા તંત્રને રજુઆત કરે છે. પણ તંત્ર દાદ આપતું નથી. મુખ્યમંત્રી આવાસોમાં ત્રણ વર્ષથી રહેવા આવ્યા ત્યારથી પાણી પ્રશ્ન ગંભીર છે અને અમુક ગેરકાયદે રહેતા લોકોની પણ ભારે રંજાડ છે. આવાસ યોજના ઉપર આવેલ પાણીની ટાંકી તોડી નાખી છે. આ ગેરકાયદે રહેતા અમુક લોકો ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને ગાળો બોલી દારૂ જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

મુખ્યમંત્રી આવાસોમાં ત્રણ વર્ષથી પીવાના પાણીની સમસ્યાઓ ગંભીર હોવાથી સ્થાનિક લોકોને પાણી મેળવવા જ્યાં ત્યાં રઝળપાટ કરવો પડે છે અને અવેડામાંથી પાણી ભરવા મજબૂર થવું પડે છે. તેમજ ભૂગર્ભ ગટર તેમજ સોર્સ ખાડાનું ગંદુ પાણી ઉભરાઈ છે. આથી, ભારે ગંદકી ફેલાતા સ્થાનિકોનું આરોગ્ય જોખમમાં મુકાય ગયું છે. આ ગંદકી બાબતે ચીફ ઓફિસરે આદેશ આપ્યો હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. જ્યારે ગેરકાયદે રહેતા અમુક લોકોની ભારે રંજાડ હોવાથી આ લોકોને અહીંથી ખસેડવાની માંગ કરી હતી. આ બાબતની સ્થાનિકોએ વિગતવાર રજુઆત કર્યા બાદ ચીફ ઓફીસરે મુખ્યમંત્રી આવાસોમાં પાણી પ્રશ્ન અને ગેરકાયદે રહેતા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

- text