મોરબી પંથકમાં હોળીએ આંધળોપાડો અને નાળિયેરથી રમવાની પરંપરા આજે પણ જીવંત

- text


ઘણા ગામોમાં અત્યારથી જ યુવાનોએ નાળિયેરથી રમવાનું શરૂ કરી દીધું

મોરબી : આજે જમાનો ભલે ડિજિટલ બની ગયો હોય પરેતું તહેવારોની ઉજવણીમાં આજે પણ ઘણી ભારતીય પરંપરામાં ઓટ આવી નથી. જેમાં ખાસ કરીને હોળીએ આંધળોપાડો અને નાળિયેરથી રમવાની પરંપરા છે. આ રમત ઘણા ગામોમાં હોળીના 15 કે 20 દિવસ પહેલા શરૂ થઈ જતી હોય છે ત્યારે મોરબી પંથકમાં હોળીએ આંધળોપાડો અને નાળિયેરથી રમવાની પરંપરા આજે પણ જીવંત રહી છે. ઘણા ગામના યુવાનોએ અત્યારથી જ નાળિયેરથી રમવાનું શરૂ કરી દીધું છે.

આજના ડિજિટલ યુગમાં ખાસ કરીને બાળકો મોબાઇલની ગેમ રમવામાં જ મશગુલ બની ગયા હોય વર્ષોની આપણી શેરી રમતો ભુલાઈ રહી છે. ખાસ આ શેરી રમતોમાં બાળપણ ખરા અર્થમાં નિખરતું હોય છે. પણ આજે જે રીતે શેરી રમતો ભુલાઈ રહી છે તે જોતા એવું લાગે છે હવેની પેઢીને કદાચ શેરી રમતોનું જરાય જ્ઞાન નહિ હોય. જ્યારે વર્ષોથી હોળી નિમિતે ચાલી આવતી એક પરંપરા મુજબ યુવાનો નાળિયેરથી રમતા હોય છે. જેમાં નાળિયેર વીજપોલ કે અન્ય જગ્યાએથી ગરકવાનું હોય છે.તેમાં જીતી જવા માટે યુવાનોમાં શરત લાગતી હોય છે તેમજ આંધળોપાડો રમત પણ યુવાનો હોશથી રમતા હોય છે. હોળી નિમિતે યુવાનો દ્વારા રમાતી આ રમતનો આનંદ કઈક અનેરો હોય છે ત્યારે મોરબી પંથકમાં હજુ આ રમત આજે પણ યથાવત રહી છે. જો કે શહેરમાં તો આ હોળીની ખાસ રમત થોડી ઓછી રમાય છે પણ ગામડાઓમાં આ પરંપરા આજે પણ જીવંત રહી છે.

- text

હોળી નજીક આવી રહી છે. ત્યારે મોરબીના રાજપર, પંચાસરના શિવનગર સહિતના અનેક ગામોમાં યુવાનો દ્વારા નાળિયેરથી હોળીની રમત રમવાનું શરૂ થઈ ગયું છે અને ઘણા ગામડાઓમાં આજના મોર્ડન યુગના યુવાનો પણ આ હોળીની ખાસ રમતનો નિજાનંદ માણી રહ્યા છે.

- text