હળવદના સંતે અનાથ દીકરીનું પોતાની પુત્રીની જેમ લાલન-પાલન કરીને ધામધૂમથી લગ્ન કરાવ્યા

- text


કવાડિયા પાસેના આશ્રમના મહંત પ્રભુચરણ દાસજીએ આજે ઍક બાપની જેમ જ અનાથ દીકરીનું કન્યાદાન કરી ધામધૂમથી લગ્ન કરાવીને સાસરે વળાવી

હળવદ : સંસારની મોહમાયા છોડી દીધા બાદ વેરાગી બનેલા સાધુ, સંત, મહાત્માઓ જરૂરિયાતમંદ લોકોનું કલ્યાણ કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેતા હોય છે. આવો એક હૃદય મનને અનેરી ટાઢક આપતો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. જેમાં હળવદના કવાડિયા ગામ પાસે આશ્રમ ધરાવતા સંત પ્રભુચરણદાસ બાપુએ અનાથ દીકરીનું પોતાની વ્હાલી પુત્રીની જેમ લાલન-પાલન કરીને ઉછેરવા માટે એક પ્રેમાળ પિતા બની ગયા હતા. આ પુત્રીને અતિશય લાડકોડથી ઉછેરી તેને સારું શિક્ષણ અપાવી ઉંમર લાયક થતા સારા મુરતિયા સાથે તેના ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ સંતે એક પ્રેમાળ પિતા બનીને દીકરીનું કન્યાદાન કરીને હસીખુશીથી સાસરે વળાવી હતી.

હળવદના કવાડિયા ગામે આવેલા આશ્રમ ચલાવતા પ્રભુચરણદાસ બાપુને આજથી આશરે 15 વર્ષ પહેલાં આધ્યાત્મિક પ્રવચન માટે અમદાવાદ જવાનું થયું હતું. તેઓ અમદાવાદ ગયા ત્યારે તેમને એક પાંચ વર્ષની માસુમ દીકરી મળી આવી હતી અને આ માસુમ દીકરી મા બાપ વગરની અને અનાથ હોવાનું જણાતા પ્રભુચરણદાસ બાપૂએ કોઈપણ જાતના સંકોચ વગર આ અનાથ દીકરીને ઉછેરવાનું બીડું ઉઠાવ્યું હતું અને એ અનાથ દીકરીને હળવદના કવાડિયા પાસે આવેલા પોતાના આશ્રમે લાવીને એક પિતાની જેમ જ ઉછેરવાનું શરૂ કરી દીધું હતું. કહેવાય છે કે દીકરી વ્હાલનો દરિયો હોય છે. આ માસુમ દીકરીને જોઈને બાપુ સંતમાંથી એક પ્રેમાળ પિતા બની ગયા અને આ રીતે એક પિતા કરતા પણ વિશેષ કાળજી લઈને અનાથ દીકરીની દરેક ઈચ્છા પરિપૂર્ણ કરીને તેનું લાલન પાલન કર્યું હતું અને આ દીકરીને માતા પિતાની ક્યારેય ખોટ સાલવા દીધી ન હતી. એ રીતે બાપુએ આ દીકરીને ઉછેરી હતી. તેમજ આ દીકરીને સારું શિક્ષણ અપાવ્યું હતું.

- text

ત્યારે હવે આ દીકરી કોમલબેન ઉંમર લાયક થતા તેના તેની જ જ્ઞાતિ ગુર્જર સુથારના યુવક નિકુંજ સાથે નક્કી કરવામાં આવ્યા હતા અને લગ્નની કંકોત્રીમાં પણ પ્રભુચરણદાસ બાપુની દીકરી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે કોમલબેનના નિકુંજ સાથે ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને સેવકો હાજર રહ્યા હતા. જયારે પ્રભુચરણદાસ બાપુએ આજે પોતાની વ્હાલસોયી દીકરીનું જાતે કન્યાદન કર્યું હતું અને એક પિતાની જેમ આ લગ્નવિધિ કરી હતી. પુત્રીને જરાય ઓછું ન લાગે એ માટે કાળજીપૂર્વક ઉમદા સંસ્કારોથી સિંચન કરીને આજે આ દીકરીના વિદાય વખતે બાપુએ તેને સાસરિયામાં સૌના પ્રિય બનીને સંસાર જીવનને મંગલમય બનાવવાની શીખ આપી હતી. આ રીતે પુત્રીને લાડકોડથી ઉછેરીને ધામધૂમથી લગ્ન કરાવીને હસીખુશીથી સાસરે વળાવી હતી. જો કે સમાજને સાચી દિશામાં જીવન જીવવાની શીખ આપતા આ સંત આજે તેમની પુત્રીના વિદાય વખતે ભાવુક બની ગયા હતા.

- text