મોરબીની ઈમ્પોર્ટ-એક્સપોર્ટ પેઢીમાં કેરળ આઇટીની ટીમના દરોડા

સ્થાનીય આઇટી વિભાગની ટીમ પણ રેડમાં સાથે જોડાઈ : મોટા પાયે બેનામી વ્યવહારો બહાર આવવાની સંભાવના? 

મોરબી : ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વ્યવસાય કરતી મોરબીની એક પેઢી પર કેરળ રાજ્યની આઇટી વિભાગની ટીમે રેડ કરતા ચકચાર મચી ગઇ છે.

ભારતના વિવિધ રાજ્યોમાં બ્રાન્ચ ઓફીસ ધરાવતી એબીસી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ઇન્ડિયા પ્રા. લી. નામની પેઢીની વાંકાનેર હાઇવે પર લાલપર નજીક આદ્યશક્તિ ચેમ્બરમાં આવેલી ઓફીસ પર કેરળ રાજ્યની આઇટી સેલે રેડ કરતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. આ પેઢી કેરળ ખાતેથી ખૂબ મોટા પાયે વ્યાપાર કરે છે. હાલ તો આ પેઢીમાં સર્ચની કાર્યવાહી ચાલુ છે. ઓફિસના તમામ કાગળો અને કોમ્પ્યુટરો ચેક કરાઈ રહ્યા છે ત્યારે સ્થાનીય આઇટી વિભાગ પણ દરોડાની કાર્યવાહીમાં સાથે જોડાયો હોવાનું સામે આવ્યુ છે. સર્ચ ઓપરેશન પૂરું થયા બાદ વધુ વિગત બહાર આવે તેની રાહ જોવાઇ રહી છે. હાલ તો આ રેડની કાર્યવાહી ટોક ઓફ ધ ટાઉન બની રહી છે.