ક્લેઇમ ચુકવવામાં ઠાગાઠૈયા કરતી વીમા કંપની પાસેથી 5.55 લાખનો ચેક ગ્રાહક સુરક્ષા મંડળે મહિલાને અપાવ્યો

5 લાખ રૂપિયાનુ 6 ટકા લેખે વ્યાજ પણ સાથે જ અપાવ્યું 

મોરબી : વીમો ઉતરાવતી વખતે આંબા-આંબલી દેખાડતી વીમા કંપનીઓ પાસેથી ક્લેઇમ પાસ કરાવવામાં પોલીસી હોલ્ડરને આંખે અંધારા આવી જતા હોય છે. મેડિકલ ક્લેઇમ, પાક વીમો, વાહન વીમો જેવા વીમામાં કંપનીઓ વિવિધ કારણો દર્શાવીને વીમો ચુકવવામાં ઠાગાઠૈયા કરતી હોય છે ત્યારે છેવટે લોકોને ગ્રાહક સુરક્ષા મંડળમાં ઘા નાખવી પડે છે. ભોગ બનનાર વતી ગ્રાહક સુરક્ષા મંડળ જે તે વીમા કંપની સાથે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં લડત ચલાવે છે અને ઉચિત ન્યાય અપાવે છે. ત્યારે હાલમાં જ એક કેસમાં લજાઈના વતની કોમલબા સતીષસિંહ ઝાલાને 5 લાખનો ક્લેઇમ પાસ કરાવી ન્યાય અપાવવામાં આવ્યો છે. 5 લાખની રકમ પર 6 ટકાના દરે વ્યાજ અને ખર્ચ પેટે મળીને કુલ 5.55 લાખની રકમ ચૂકવવા વીમા કંપનીને હુકમ કરાયો હતો. મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા પાછલા 22 વર્ષોથી આ રીતે પ્રજાના પ્રશ્નો માટે, ગ્રાહકોના હક્ક માટે લડત ચલાવી રહ્યા છે. ઉપરોક્ત કેસમાં ટંકારા તાલુકાના પ્રમુખ ગૌતમભાઈ વામજા તરફથી મોરબી ગ્રાહક સુરક્ષામાં યુનાઇટેડ ઈન્સ્યુરન્સ કંપની સામે કેસ દાખલ કરાવીને કોમલબા ઝાલાને તેઓના હક્કની વીમા રાશીનો ચેક અપાવ્યો હતો. કોઈ પણ વીમા કંપની ગ્રાહકો સાથે કોઈ પણ રીતે છેતરપિંડી કરતી હોય કે કોઈ ગ્રાહક વીમા કંપનીના મનસ્વી નિર્ણયોનો ભોગ બન્યું હોય તેઓએ મોરબી શહેર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક મો.નં. 9825790412 પર કરી શકે છે એમ એક યાદીમાં જણાવાયુ છે.