માલિકીના પ્લોટમાં ચણેલી દીવાલ સ્થાનિકોએ ધ્વસ્ત કરતા નિવૃત કર્મચારીની મુખ્યમંત્રીને રાવ

- text


સ્થાનીય કક્ષાએ રજુઆત ન સાંભળતા નિવૃત તલતીએ મુખ્યમંત્રી સમક્ષ ઘા નાખી 

મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલી સોસાયટીમા પોતાની માલિકીના જ મકાનમા રહેતા મૂળ ટંકારાના મિતાણા ગામના નિવૃત તલાટીના રહેણાંકના પ્લોટની દિવાલ વિસ્તારના સ્થાનિક લોકોએ અવર જવર કરવા માટે બળજબરીથી તોડી પાડતા ભોગ બનેલ પરીવાર ફફડી ઉઠયો હતો. બાદમાં જવાબદાર તંત્રને અનેક ફરીયાદ કરવા છતા યોગ્ય પગલા ન લેવાતા રાજયના મુખ્યમંત્રી સમક્ષ ન્યાય અપાવવા પરિવારે ધા નાંખી છે.

મૂળ ટંકારા તાલુકાના મિતાણાના વતની જી.ટી.દેવડા તલાટી મંત્રી તરીકે ફરજ પરથી નિવૃત થતા મોરબી ખાતે સ્થાયી થવા રવાપર રોડ પરની વિવેકાનંદ નગર-2માં મકાન ખરીદ કર્યું હતું. નિવૃત જીવન શાંતિથી પસાર કરવાના સ્વપ્ન જોઈ રહેણાંકની જમીન ખરીદ કરી મકાન બાંધ્યુ હતુ. સોસાયટીના રહેણાંક પ્લોટના અડધા હિસ્સામા બાંધકામ કરી અડધો ભાગ ખુલ્લો રાખી પાકી દિવાલ કરી હતી. પરંતુ આ બાંધકામ અગાઉ અહી અન્યની માલિકીની આ જમીન ખુલી હોવાથી મહોલાવાસીઅો આ પ્લોટમાંથી અવરજવર કરતા હતા. અવરજવર કરવા માટે આ ખુલ્લા પ્લોટનો રસ્તો શોર્ટકટ પડતો હોવાથી લોકોએ આ માર્ગને જાહેર રસ્તો સમજી લીધો હતો. જો કે જે તે સમયે દેવડા પરિવારે લોકોને અવરજવર કરવા સામે વાંધો લીધો ન હતો. સમય જતા જરૂરિયાત હોવાથી દેવડા પરિવારે અહીં પોતાની માલિકીની ખુલ્લી જમીનમા મકાન સહિત દિવાલ ઉભી કરી લેતા ટુંકા માર્ગની સગવડ બંધ થતા સ્થાનીય રહીશોના પેટમા તેલ રેડાયુ હતુ અને અમુક ઈર્ષાળુઅોએ એકસંપ કરી હલાબોલ મચાવી પાકી ચણેલી ખાનગી માલિકીની દિવાલ તોડી પાડીને બળજબરીથી માર્ગ ચાલુ કરી દેતા ગામડેથી શહેરમા સ્થાયી થવા આવેલ નિવૃત તલાટી દેવડાનો પરીવાર રીતસર પારેવાની જેમ ફફડી ઉઠ્યો હતો. ત્યાર બાદ સ્વસ્થ થઈ પોલીસ, વહીવટી તંત્ર સમક્ષ પાછલા બે માસથી પોતાના મકાનના દસ્તાવેજ લઈ વિવિધ કચેરીના પગથીયા ઘસી ન્યાય માટે દોડધામ કરી રહેલા દેવડા પરિવારની રજુઆત કોઈએ ન ગણકારતા અંતે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી ન્યાય માટે ધા નાંખી છે.

- text

પોતાની માલિકીના મકાનની દિવાલ બળજબરીથી પાડી નાંખી પરાણે જાહેર માર્ગ બનાવનારા તત્વો સામે ઍફઆઈઆર દાખલ કરવા પત્રમાં દાવડા પરિવારે કાકલુદી કરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે નિવૃત કર્મચારીની વ્યથા સંવેદનશીલ મુખ્યમંત્રીના કાને અથડાય છે કે કેમ?

- text