મોરબી બી.આર.સી.ભવન ખાતે બી.આર.સી.કક્ષાની વાંચક સ્પર્ધા યોજાઈ

- text


વાંચક સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો : પ્રથમ નંબરે વિજેતા થનાર વિધાર્થીઓને સન્માનિત કરાયા

મોરબી : કહેવાય છે કે,પુસ્તક એ માનવજાતનો ઉત્તમ આત્મિક મિત્ર છે.મનુષ્યના જીવનને માનસિક અને આત્મિક આનંદ અને સાતા આપનાર કોઈ શ્રેષ્ઠ માધ્યમ હોય તો તે વાચન અને પુસ્તકો છે.ખૂણામાં રહેલ એક નાનકડો દીવડો અને સાત્વિક પુસ્તકના સથવારા જેવું બીજું કોઈ સારું સુખ નથી.સંશોધન એમ કહે છે કે જે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસની સાથે વાચનાલય અને પુસ્તકાલયના સંદર્ભ પુસ્તકોનું વાચન અને અર્થગ્રહણ કરે છે,તેવા વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ રહ્યાં છે.તેથી મોરબીમાં વિદ્યાર્થીઓમાં વાંચન રસ જગાડવા માટે બી.આર.સી.ભવન ખાતે બી.આર. સી.કક્ષાની વાંચક સ્પર્ધા યોજાઈ હતી.

વિદ્યાર્થીઓ નાનપણથી જ વાચન પ્રત્યે અભિમુખ બને,સમજપૂર્વકનું વાચન કરે,અર્થગ્રહણ કરી શકે,યોગ્ય ધ્વનિ સાથે આરોહ અવરોહ પૂર્વક અને વિરામચિહ્નોને ધ્યાનમાં રાખી વાંચી શકે અને સાથે સાથે વાંચેલ પુસ્તકનો સારાંશ પ્રસ્તુત કરી શકે તે માટે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા શાળા કક્ષાથી શરૂ કરી રાજ્યકક્ષા સુધીની પુસ્તક વાંચક સ્પર્ધાઓ આયોજિત થઈ રહી છે.આજ આશયને સાર્થક કરવા 22 ફેબ્રુઆરીના રોજ મોરબીના બી.આર.સી.ભવન ખાતે બી.આર.સી.કક્ષાની પુસ્તક વાંચક સ્પર્ધા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી શર્મિલાબેન હુમલ અને બી.આર.સી.કો.ઓ.શ્રી સંદીપ બી.આદ્રોજાના આયોજન અને માર્ગદર્શન હેઠળ આયોજિત થઈ.આ સ્પર્ધામાં તાલુકાના દરેક કલસ્ટરમાંથી ધોરણ 6,7,8,9,અને 11 ના ક્લસ્ટર કક્ષાએ યોજાયેલ વાંચક સ્પર્ધામાં પ્રથમ આવેલ હતા.વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં મોરબીના નગરજનોને પુસ્તક પ્રેમી બનાવનાર અને વાચન પ્રત્યે અભિમુખ કરનાર પુસ્તક પરબની ટીમે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.પુસ્તક પરબ ટીમના સક્રિય સદસ્ય અને શ્રી શાંતિવાન પ્રા.શા.ના મુખ્ય શિક્ષકશ્રી મનન બુધ્ધદેવ દ્વારા પ્રાર્થના પ્રસ્તુતિકરણ સાથે સ્પર્ધાની શરૂઆત થઈ હતી

- text

આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પુસ્તક પરબના સદસ્યો શ્રી નિરવભાઈ માનસેતા, કવિશ્રી રૂપેશ પરમાર”જલરૂપ”,અને મિતુલ વડસોલા તેમજ શિક્ષકશ્રી વિજય દલસાણીયા,રજનીશ દલસાણીયા અને પ્રદીપ કુવાડિયાએ પોતાની સેવા આપી.આ વાંચક સ્પર્ધામાં ઘો.6 માં પ્રથમ પાંચોટીયા આસ્થા(શ્રી ભરતનગર પ્રા.શાળા) અને સંઘવાણી મુશ્કાન જુસબભાઈ(શ્રી શાંતિવન પ્રા.શાળા),ઘો.7 માં પ્રથમ પાંચોટીયા ક્રિષ્ના(શ્રી ભરતનગર પ્રા.શાળા),ઘો.8 માં પ્રથમ વણકર નિશાંત કાંતિલાલ(શ્રી જવાહર પ્રા.શાળા),ઘો.9 માં પ્રથમ જીવાણી ઉજાલા વિનોદભાઈ(લાલબહાદુર શાસ્ત્રી હાઈસ્કુલ) તેમજ ઘો.11 માં પ્રથમ વ્યાસ હેત્વી રાજેશભાઈ (ડી.જે.પી.કન્યા વિદ્યાલય) પસંદ થયા. આ તમામ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને સન્માનપત્ર અર્પિત કરી સન્માનવામાં આવ્યા.આ તમામ પ્રથમ ક્રમાંકિત સ્પર્ધકો હવે પછી જિલ્લા કક્ષાની ‘પુસ્તક વાંચક સ્પર્ધામાં ‘ ભાગ લેશે.તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓને મોરબી તાલુકા પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી.

- text