મોરબી બેંક રોબરી કેસના ચારેય લૂંટારુઓ ઉપર 50થી વધુ ગંભીર ગુન્હા નોંધાયેલા છે

- text


નાસી છૂટેલા બે આરોપીઓના નામ ખુલ્યા : છ અપરાધીઓ ઉપર બેંક રોબરી, મારધાડ અને ખૂનના અનેક ગંભીર ગુના નોંધાયા હોવાનું ખુલ્યું

મોરબી : મહેન્દ્રનગર ચોકડી પાસેની બેંક રોબરી કેસમાં છમાંથી ઝડપાયેલા ચાર આરોપીઓને 10 દિવસના રિમાન્ડ પર લઈને પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે. જેમાં નાસી છૂટેલા અન્ય બે આરોપીઓના નામો ખુલ્યા છે. તેમજ આ બેંક રોબરીના 6 આરોપીઓએ શાતીર અપરાધી હોવાનો ઘટસ્ફોટ થયો છે અને આ તમામ આરોપીઓ ઉપર બેંક રોબરી, મારધાડ અને ખૂનના અનેક ગંભીર ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ બૅંક ઓફ બરોડા અને દેના બૅંકની સંયુક્ત શાખામાં ગત તા.20 ના રોજ બપોરના 2-45 વાગ્યાની આસપાસ છ શખ્સો બંદૂક સાથે ઘુસ્યા હતા અને બંદૂકની અણીએ બેંકના કર્મચારીઓને બંધક બનાવીને બંને બેંકના કેશિયર પાસેથી રૂ. 6 લાખની રોકડ અને મોબાઈલ તેમજ સિક્યુરિટીમેનની બંદૂક પડાવીને આ છ આરોપીઓ સ્વીફ્ટ કારમાં ફરાર થઈ ગયા હતા. આ આરોપીઓ સ્વીફ્ટ કારમાં હળવદ તરફ નાસી રહ્યા હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસ વડા કરનરાજ વધેલાની સુચનાને પગલે જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી હતી. બાદમાં એલસીબી ,પોલીસની અલગ અલગ ટીમોએ આરોપીઓની કારનો દિલધડક પીછો કરતા આરોપીઓ હળવદના ચુપણી ગામે 30 વિધાના મકાઇના ખેતરમાં છુપાઈ ગયા હતા. ત્યારે ગ્રામજનો અને એ.એસ.આઇ પોલાભાઈ ખાંભરા, કનુભાઈ ગઢવી, ભાનુભાઈ બલાસરા સહિતના પોલીસ કર્મચારીઓએ જીવના જોખમે બેંક રોબરી કરનાર ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. બાકીના બે આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે બેંક રોબરી કરનાર ચાર આરોપીઓ મનદીપસિંગ પાલસિંગ જટ ઉ.વ.29, બલબીરસિંગ ઉર્ફે ગોલી જોગીન્દરસિંગ જટ ઉ.વ.25, અરુણકુમાર શ્રીલાલચંદ મજબી ઉ.વ.30 તથા સંદીપસિંગ ઉર્ફે રવિ ગૃરુંમેલસિંગ ગુર્જર ઉ.વ.30 રહે ચારેય પંજાબ વાળાને પીસ્ટલ નંગ 6 ધાડમાં ગયેલી બાર બોરની બંદૂક, જીવતા કારતુસ નગ 131 રોકડા રૂ.6.03 લાખ સ્વીફ્ટ કાર, 3 મોબાઈલ મળીને કુલ રૂ.9.88 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને 10 દિવસના રિમાન્ડ પર લીધા છે. જ્યારે નાસી ગયેલા બે આરોપીઓ રણજીતસિંગ ઉર્ફે રાણો બલબીરસિંગ મજબી અને સોનુસિંગ સતનામ સિંગ જટ રહે પંજાબના નામો ખુલ્યો છે. જ્યારે પોલીસની પૂછપરછમાં આ ચારેય આરોપીઓ ખૂંખાર અપરાધી હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપીઓ ગુનાહિત ઈતિહાસ મોટો છે.

- text

આરોપી મનદીપ વિરુદ્ધ 6 થી 7 વર્ષ દરમિયાન ડ્રગ્સનો કેસ, બે ખૂની હુમલા રાયોટિગ, ગુજરાતના ગોધરામાં લૂંટ અને આમર્સ એક્ટ હેઠળ સહિત કુલ 8 જેટલા ગંભીર ગુના અને બીજો આરોપી અરુણકુમાર વિરુદ્ધ આંગડિયા લૂંટ સહિત 7 લૂંટ, બેંક રોબરી તેમજ ખૂની હુમલા અને મર્ડર સહિત 16 ગુનાઓ અને ત્રીજો આરોપી સંદીપ વિરુદ્ધ 19 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં 2012 થી 2020 સુધી મર્ડર, ખૂની હુમલા, બેંક રોબરી ડ્રગ્સ સહિતના 19 ગુનોઓમાં એ પંજાબમાં વોન્ટેડ છે. તેમજ બલબીરસિંગ બેંક રોબરી, આમર્સ એક્ટ, મર્ડર સહિતના 6 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આ ખૂંખાર અપરાધિની ટોળકી પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં બેંક રોબરી સહિતના ગુનોઓ કરવામાં માહેર છે. પંજાબ પોલીસ માટે આ ટોળકી માથાના દુઃખવરૂપ બની ગઈ હતી ત્યારે મોરબી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા અને રિમાન્ડ દરમિયાન તેમની પાસેથી હથિયારો ક્યાંથી આવ્યા અન્ય બીજા કેટલા ગંભીર ગુના કર્યા મોરબી લૂંટનો પ્લાન અને કોણ માસ્ટર માઈન્ડ તે સહિતની વિગતોની પૂછપરછ કરાશે અને બાકીના બે આરોપીઓને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text