મોરબી બેંક લૂંટના 4 આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજુર

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલી બેંકની શાખામાંથી ભર બપોરે ફિલ્મી સ્ટાઈલથી થયેલી લૂંટના છ પૈકી ચાર આરોપીઓને મોરબી જિલ્લા પોલીસે સયુંકત ઓપરેશન હાથ ધરી ગ્રામજનોની મદદથી ગણત્રીના કલાકોમાં કાર, હથિયારો અને લૂંટાયેલી રકમ સાથે ઝડપી પાડ્યા બાદ તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચારેય આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં 20 ફેબ્રુઆરીએ મોઢે બુકાની બાંધી, ઘાતક હથિયારો સાથે ધાડપાડુઓ ત્રાટકયા હતા. બેંક ઓફ બરોડાના કેશિયર રમેશભાઈ ચાવડા પાસેથી રૂ. 4,45,260 અને દેના બેંકના કેશિયર આમનાબેન બેલીમ પાસેથી રૂ. 1,57,840ની રોકડ રકમ લૂંટી લીધી હતી. આ ઉપરાંત બેંક ઓફ બરોડના સિક્યુરિટી મેન અનિલભાઈને માર મારીને ઇજા પહોંચાડી તેઓની પરવાના વાળી બાર બોરની ગન કિંમત રૂ.10,000 લૂંટી લીધી હતી. વળી બેંકમાં ઉપસ્થિત ગ્રાહકોની પણ નાની-મોટી રકમ અને મોબાઈલ ફોનની પણ લૂંટ ચલાવી હતી. કુલ રૂ. 6,44,600નો રોકડ સહિતનો મુદ્દામાલ લૂંટી લૂંટારુઓ કારમા નાસી છૂટ્યા હતા. જો કે પોલીસે સતર્કતા રાખી જિલ્લામાં નાકાબંધી કરતા છ પૈકીના ચાર લૂંટારુઓ હળવદ પાસે ઝડપાઇ ગયા હતા.

- text

જેમાં મનદીપસિંગ પાલસિંગ જાટ, બલવીરસિંગ ઉર્ફે ગોલી જોગિંદરસિંગ જાટ, અરુણકુમાર લાલચંદ મઝબી અને સંદીપકુમાર ઉર્ફે રવિ ગુરમલસિંગ ગુર્જરને કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા કોર્ટે ચારેય આરોપીઓને 2 માર્ચ સુધી એટલેકે 11 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવા મંજૂરી આપી છે. આ દિવસો દરમ્યાન હવે પોલીસ ચારેયની વિસ્તૃત પૂછપરછ કરી આવનારા દિવસોમાં સમગ્ર લૂંટના બનાવ અંગે વધુ વિગતો બહાર લાવશે. હજુ બે ફરાર આરોપીઓની શોધખોળ પણ પોલીસ ચલાવી રહી છે. ચારેય ઝડપાયેલા આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા. ત્યારે કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

- text