માળીયા નજીક એક સાથે ચાર વાહનો અથડાતા ટ્રાફિકજામ સર્જાયો : સદનસીબે જાનહાની ટળી

- text


માળીયા મી. : મોરબી-કચ્છ હાઇવે પર માળીયા મી. નજીક ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પણ હાઇવે પર અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં હાઇવે પેટ્રોલિંગની ટીમે ઘટના સ્થળે ઘસી જઈ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

અકસ્માતના આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી-કચ્છ હાઇવે પર માળિયા નજીક આજે સવારના સમયે એક ટ્રક ડ્રાયવરે અચાનક બ્રેક લગાવતા પાછળ આવી રહેલી મુંદ્રા-સોમનાથ એસ.ટી બસ ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. આ જ સમયે બસની પાછળ આવતી એક કારના ચાલકે અકસ્માત જોઈ કાર ઉભી રાખતા કારની પાછળ આવતા એક ટ્રેઇલરે તે કારને ઠોકર મારતા કાર બસમાં ઘુસી ગઈ હતી. આમ એક સાથે હાઇવે પર ચાર વાહનોનો વિચિત્ર અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.

- text

આ ઘટનાની જાણ થતાં હાઇવે પોલીસ તેમજ માળિયા પોલીસની ટીમ ઘટના સ્થળે ઘસી ગઈ હતી અને હાઇવે પર થયેલ ટ્રાફિક જામ ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ વિચિત્ર અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. હળવદથી જૂનાગઢ જતા દંપતીની કાર આખી બસની પાછળ ઘુસી ગઈ હોવા છતાં પણ કોઈ સદનસીબે દંપતી સહિત કોઈને ઇજા થઇ ન હતી. અલબત્ત અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. જે થોડા સમય બાદ ક્લિયર કરાવી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમા રખાવવામા આવ્યા હતા.

- text