મોરબીમાં મેડિકલ કોલેજ તાત્કાલિક શરુ કરવા ધારાસભ્ય મેરજાની તાકીદ

- text


મોરબી : ગુજરાત સરકારે પાંચ જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજ શરુ કરવાની જાહેરાત કરી હતી અને તેમાં મોરબીનો પણ સમાવેશ થયેલો હતો. પરંતુ તાજેતરમાં આ પાંચ જિલ્લાઓ પૈકી નવસારી, રાજપીપળા અને પોરબંદર ખાતે મેડિકલ કોલેજ ચાલુ વર્ષથી કાર્યાવિન્ત કરવા ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. જેમાં મોરબીનો સમાવેશ થયો ન હોવાના કારણે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્ય સરકારમાં આરોગ્ય ખાતાનો વિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રીને તાકીદનો પત્ર પાઠવી મોરબીને પણ મેડિકલ કોલેજ ચાલુ વર્ષથી સાંપડે તેવી માંગણી કરી છે.

એક બાજુ મોરબીની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ખાલી જગ્યાઓ લાંબા સમયથી ભરતી નથી અને બીજી બાજુ મંજુર થયેલ મેડિકલ કોલેજ આપવામાં સરકાર ઠાગાઠૈયા કરે છે. જેને લીધે દર્દીઓને મળવાપાત્ર આરોગ્ય વિષયક સુવિધાઓ સમયસર મળવામાં વિલંબ થાય છે. તો મોરબી માટે જ રાજ્ય અને કેન્દ્ર સરકાર કેમ ઓરમાયું વર્તન દાખવે છે? તેવો પ્રશ્ન બ્રિજેશ મેરજાએ રજુઆતમાં ઉઠાવ્યો છે. આવા વેદક પ્રાણ સાથે ધારાસભ્યે તાકીદે મેડિકલ કોલેજની સુવિધા સાંપડે તે માટે કેન્દ્ર સરકાર સત્વરે તજવીજ કરે તેવી મોરબી પંથકના મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં માંગણી કરી છે.

- text

વધુમાં, ધારાસભ્યએ જણાવ્યું છે કે સામાન્ય રીતે, મેડિકલ કોલેજની મંજૂરી ભારત સરકારની મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આપતી હોય છે પરંતુ પ્રવર્તમાન કેન્દ્ર સરકાર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને વિખેરી નાખીને અન્ય વૈકલ્પિક માળખું ઉભું કર્યું હોવાને લીધે મેડિકલ કોલેજ મંજુર કરવામાં વિલંબ પણ થતો હોય છે. આ વિલંબ નિવારવો ખુબ જરૂરી છે.

- text