મોરબીના બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા શિવરાત્રી નિમિત્તે ધ્વજારોહણ અને બ્રહ્મભોજન કાર્યક્રમ યોજાયો

મોરબી : ગઈકાલે શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા શિવરાત્રી નિમિત્તે સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયાના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમ્યાન બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના રાજયોગીની બ્રહ્માકુમારી ચંદ્રિકાબહેન કે જેઓ આ સેવાકેન્દ્રના મુખ્ય સંચાલિકા છે. તેઓએ શિવરાત્રી વિશે જણાવ્યું હતું કે શિવરાત્રી એટલે કોઈએક દિવસની રાત્રી નહીં પરંતુ આ કળિયુગરુપી રાત્રીમાંથી પરમપિતા પરમાત્મા શિવ આપણને બધાને સારા સંસ્કારો, સારા ગુણો ધારણ કરવાનું શીખવીને નવી સતયુગી દુનિયા અને ઘર-ઘરને સ્વર્ગ સમાન બનાવવા માટે જ્ઞાન આપે છે. આ ગુણો અને સંસ્કારોને ધારણ કરીએ તો જ સાચી શિવરાત્રી મનાવી કહેવાશે. ઉપરાંત, મનને જેટલું સકારાત્મકતા, સારા વિચારો આપીશું તેમજ આધ્યાત્મિકતા તરફ વાળીશુ તો જ ઘરે-ઘર સ્વર્ગ સમાન બનશે.

આ કાર્યક્રમમાં સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા એ જણાવ્યું હતું કે જેમ એક ગામ અથવા શહેર ત્યારે જ સ્વચ્છ અને સુંદર બને છે, જ્યારે એ ગામના લોકો જાગૃત હોય અને તે પણ સ્વચ્છતા જાળવે તો ગામ અથવા શહેર સુંદર બને છે. તેવી જ રીતે દરેક વ્યક્તિ પોતે પણ પોતાના મનને સકારાત્મક, પવિત્ર અને આધ્યાત્મિક વિચારો દ્વારા સુંદર બનાવે, એ જ પરમાત્મા શિવને શિવરાત્રી નિમિત્તની આપણી સાચી શ્રદ્ધા અથવા સમર્પણ કહેવાશે.