મોરબી બેંક લૂંટ અપડેટ : હળવદ અને માળિયાના ગ્રામજનોએ ગાડા અને ટ્રેક્ટરથી રસ્તાઓ કર્યા ‘તા બંધ, એસપીએ માન્યો આભાર

- text


માત્ર 4 જ કલાકમાં આરોપી પકડીને મોરબી પોલીસે દાખલો બેસાડ્યો : હજુ બે ફરાર આરોપીની શોધખોળ : પકડાયેલા આરોપીઓની ચોરી અને લૂંટ કરતી આંતરરાજ્ય ગેંગ હોવાની શકયતા

મોરબી : મોરબીમાં આજે બપોરે બેંકમાં ફિલ્મી ઢબે થયેલી લૂંટમાં પોલીસે માત્ર 10 જ મિનિટના સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી અને નાગરિકોના સહયોગથી માત્ર 4 જ કલાકમાં આરોપીઓને પકડી પાડયા હતા. આ કામગિરી બદલ જિલ્લા પોલીસ વડાએ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાથોસાથ સહયોગ આપનાર દરેક ગ્રામજનોનો આભાર પણ માન્યો હતો.

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવે દેના બેંક અને બેંક ઓફ બરોડાની સંયુક્ત શાખામાં આજે બપોરે 2:45 વાગ્યે છ જેટલા લૂંટારુઓએ બંદૂકની અણીએ બેંક ઓફ બરોડાના કેશિયર પાસેથી રૂ. 4.45 લાખ લાખ, દેના બેંકના કેશિયર પાસેથી રૂ. 1.57 લાખ અને એક ગ્રાહક પાસેથી રૂ. 6500 રોકડ તેમજ અન્ય ચાર ગ્રાહકોના મોબાઇલ મળીને રૂ. 6.44 લાખની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે પોલીસે બેંક ઓફ બરોડાના જોઈન્ટ મેનેજર મુરારીકુમાર ભુવનેશ્વર શર્માની ફરિયાદના આધારે અજાણ્યા 6 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.

બનાવ બન્યાને માત્ર 10 જ મિનિટમાં પોલીસે સમગ્ર જિલ્લામા નાકાબંધી કરી દીધી હતી. અને માત્ર 4 જ કલાકમાં 4 આરોપીને હળવદના ચુપણી ગામેથી ઝડપી પાડ્યા હતા. નાકાબંધી વખતે હળવદ અને માળિયામા ગ્રામજનોએ આડા અવળા રસ્તેથી આરોપીઓ નાસી ન જાય તે માટે ગાડા અને ટ્રેક્ટર રાખીને રસ્તાઓ બંધ કરી દીધા હતા. ચુપણી ગામે પણ 1 હજાર જેટલા ગ્રામજનોને એકત્રિત થઈને આરોપીઓને શોધવામાં પોલીસની મદદ કરી હતી.

આ બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, માળિયા પોલીસ, હળવદ પોલીસ, એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને માત્ર 4 જ કલાકમાં આરોપીઓને પકડી પાડ્યા હતા. જે બદલ તેઓએ પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેઓએ કહ્યું કે આરોપીઓ કચ્છ તરફ ભાગી ન જાય એટલે હળવદ અને માળિયાના ગ્રામજનોએ રસ્તાઓ ઉપર ટ્રેક્ટર અને ગાડાઓ મૂકીને રસ્તાઓ બંધ કરી દઇ પોલીસને સહયોગ આપ્યો હતો. અને ચુપણી ગામે 30 વિઘા જમીનમાં 6થી 7 ફૂટના ઉભા પાકમાં આરોપીઓ સંતાયા હતા. ત્યારે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી નાખ્યો હતો. આ વેળાએ પણ ગ્રામજનોએ પોલીસને સહયોગ આપ્યો હતો. જે બદલ એસપીએ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

અંતમાં એસપી ડો.કરનરાજ વાઘેલાએ કહ્યું કે આરોપીઓ પાસેથી 3 હથિયારો અને અનેક કારતુસ તેમજ લૂંટાયેલ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યા છે. આરોપીઓની આયોજનબદ્ધતાને લઈને લાગી રહ્યું છે કે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હશે. આ આરોપીઓ નોર્થ ઇન્ડિયા એટલે કે પંજાબ સાઈડના હોવાનું લાગી રહ્યું છે. આરોપીઓ લૂંટ અને ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના હોવાની પણ શકયતા છે. તેઓની પૂછપરછ દરમિયાન તેઓનો ગુનાહિત ઇતિહાસ અને વધુ વિગતો બહાર આવશે.

- text