મોરબી બેંક લૂંટ અપડેટ : મોટાભાગનો પોલીસ સ્ટાફ બીજા શહેરોમાં બંદોબસ્તમાં : લૂંટારૂઓએ તકનો લાભ ઉઠાવી લીધો

- text


લૂંટારૂઓ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર લઈને રિશેષના સમયે જ આવ્યા’તા, કાર રોડની સામેની બાજુ પાર્ક કરી’તી : ફુલપ્રુફ પ્લાનિંગ સાથે લૂંટના ગુનાને અપાયો અંજામ

મોરબી : મોરબીમાં પાંચ લૂંટારૂઓએ બંદૂકની અણીએ ચલાવેલ રૂ. 6 લાખની લૂંટના બનાવમાં એક પછી એક વિગતો બહાર આવી રહી છે. જેમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે મોરબી પોલીસનો મોટાભાગનો સ્ટાફ અમદાવાદ, જૂનાગઢ અને ટંકારામાં ફરજ પર હોય મોકળું મેદાન ભાળીને લૂંટારૂઓએ આયોજનબદ્ધ રીતે દિલધડક લૂંટના બનાવને અંજામ આપ્યો હતો.

તા.24ના રોજ અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં મોરબીના ઘણા પોલીસ જવાનોને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલે ટંકારામા રાજયપાલની ઉપસ્થિતિમાં બૌધોત્સવ કાર્યક્રમ યોજાનાર છે. જેનું આજે રિહર્સલ હતું. જેમાં પણ ઘણા જવાનો રોકાયેલા હતા. ઉપરાંત જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં પણ અમુક જવાનોને ફરજ સોંપાઈ છે. આ વાત લૂંટારુઓ બખૂબી રીતે જાણતા હોય તેઓએ તકનો લાભ ઉઠાવીને બેંકમાંથી રૂ. 6 લાખની ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી.

વધુમાં લૂંટારુઓ જે સ્વીફ્ટ કાર લઈને આવ્યા હતા. તે કાર નંબર પ્લેટ વગરની હતી. અને આ કાર રોડની સામેની બાજુએ પાર્ક કરવામાં આવી હતી. જેથી હળવદ તરફ જવામાં તેઓને સરળતા રહે. લૂંટ ચલાવીને લૂંટારૂઓએ દોડીને રોડ ક્રોસ કર્યો હતો અને કાર લઈને નાશી છૂટયા હતા. વધુમાં લૂંટારુઓએ ગુનાને અંજામ આપવા માટે રિશેષનો સમય નક્કી કર્યો હતો. આમ ફુલપ્રુફ પ્લાનિંગ સાથે લૂંટારુઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો બી ડિવિઝન પીઆઇ આર.ટી. વ્યાસ અને પીએસઆઇ સોઢા ઘટના સ્થળે ઝીણવટ પૂર્વક વિગતો મેળવીને તપાસ ચલાવી રહ્યા છે.

- text

- text