હળવદ : વેપારીની નજર ચૂકવી ગઠિયો રૂ. 3.56 લાખની રોકડની ઉઠાંતરી કરી ગયો

- text


હળવદ : આજે સવારે હળવદ શહેરમા દુકાનદારની નજર ચૂકવી દુકાનમા ઘુસેલો શખ્સ વેપારીના થેલામાં રહેલી 3.56 લાખની રોકડ રકમ પર હાથ સાફ કરીને નાસી છૂટ્યો હતો. વેપારીને આ ચોરીનો ખ્યાલ આવતા જ પોલીસને જાણ કરી હતી. હળવદ પોલીસે ઘટના સ્થળે ઘસી જઈ સીસીટીવી ફુટેજના આધારે આરોપીના સગડ દબાવ્યા છે.હળવદ શહેરમા આવેલા સાધના કોમ્પ્લેક્ષમા આવેલી લક્ષ્મી ટ્રેડર્સ નામની પેઢીના માલીક આજે સવારે ઘેરથી આવીને દુકાન ખોલી સાફ-સફાઈ કરતા હતા. તે દરમ્યાન બાજુમાં જ પાણી ભરવા માટે ગયા એટલી જ વારમાં કોઈ ગઠીયો વેપારીની નજર ચૂકવી થેલામાં રાખેલા 3 લાખ 56 હજારની રોકડ રકમ લઈ નાસી છૂટ્યો હતો. ચોરીની જાણ થતા જ વેપારી હાંફળા ફાંફળા થઈ ગયા હતા અને આજુબાજુના વેઓરીઓ પણ દોડી આવ્યા હતા. વેપારીએ તુરંત જ હળવદ પો.સ્ટેશને જાણ કરતા પીસીઆર વેન દોડી આવી હતી. પીસીઆર વેનના અજિતભાઈએ પ્રાથમિક તપાસ શરૂ કરી આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનુ શરૂ કર્યું છે. ફુટેજના આધારે ધોળે દિવસે રોકડ રકમની ઉઠાંતરી કરનાર આરોપીના સગડ દબાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. બનાવની જાણ થતાં વેપારી મહામંડળના પ્રમુખ વિનોદભાઈ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. શહેરમાં વધતા જતા ચોરીના બનાવો રોકવા પોલીસ સખત પેટ્રોલિંગ ગોઠવે એવી માંગ બનાવ સ્થળે એકઠા થયેલા વેપારીઓમાંથી ઉઠી રહી છે.

- text