મોરબી : પ્રાથમિક શિક્ષકો કામગીરીના બોજને કારણે ભારે તનાવમાં

- text


મોરબી : હાલ ગુજરાત રાજ્યના શિક્ષકોની સાથે મોરબી જિલ્લાના 3687 જેટલા શિક્ષકો ભારે માનસિક તણાવ સાથે મુંઝવણ અનુભવી રહ્યા છે કે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસે હાલ શાળાઓમાંથી તમામ જુના કમ્પ્યુટર સરકાર દ્વારા પરત લઈ લેવામાં આવ્યા છે. નવા કમ્પ્યુટર એકપણ શાળામાં આપવામાં આવ્યા નથી છતાં શાળાની, બાળકોની, શિક્ષકોની, શાળામાં ચાલતા વિવિધ કાર્યક્રમોની માહિતી ઓનલાઈન કરવી, એકમ કસોટી કે જે દર શનિવારે લેવામાં આવે છે, રવિવારે રજા હોય, સોમથી શુક્રવાર સુધીમાં શિક્ષકો પોતાના ચાલીસથી પચાસ વિદ્યાર્થીઓની એકમ કસોટી ચકાસવી, વિદ્યાર્થીઓની શબ્દેશબ્દની ભૂલમાં રાઉન્ડ કરવા અને સાચો શબ્દે શબ્દ લખવો, સાચું વાક્ય લખવું એ પણ અધ્યયન નિષ્પતિ પ્રમાણે ઉપચારાત્મક શિક્ષણ કરાવવું વળી પાછી પુન: કસોટી લેવી, વાલીઓની સહી કરાવવા માટે એકમ કસોટી બુક ઘરે આપવી આ બધું શિક્ષક કરે ત્યાં પાછો શનિવાર આવી જાય, આમાં શિક્ષક ભણાવે ક્યારે એ યક્ષ પ્રશ્ન છે અને ઉપરી અધિકારીઓ આવે ત્યારે એકમ કસોટીના આધારે જ શાળાનું અને શિક્ષકનું મૂલ્યાંકન કરે છે. એકમ કસોટી વિદ્યાર્થીઓને ભણેલું કેટલું યાદ રહ્યું એ જાણવા માટે છે. આ તો એકમ કસોટી શિક્ષકોને બદલી કરવાનું, ઇજાફો અટકાવવાનું સાધન બની ગઈ હોય એવું લાગે છે.

આ ઉપરાંત, શિક્ષકોએ અનેકવિધ કાર્યક્રમો જેમ કે પર્યાવરણ પ્રયોગશાળા કે જેમાં કિચન ગાર્ડન બનાવવો, ઔષધિય બાગ બનાવવો, ઘન કચરાના નિકાલ માટે ખાડો ખોદાવવો, ટેરેશ ગાર્ડન બનાવવો, બાલ નર્સરી બનાવવી, ટપક પદ્ધતિ કરવી, કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવા, અળશિયાની ખેતી કરવી, વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવું, રેઇન વોટર હસર્વેસ્ટિંગ કરવું, ગ્રીન હાઉસ કરવું, હાઇડ્રો પોનિક્સ, જળ સંગ્રહ મોડેલ કરવું, આ બધી જ પ્રવૃત્તિના ફોટોગ્રાફ ઓનલાઈન અપલોડ કરવા, મીનાની દુનિયા ટીમટીમ તારા પ્રોગ્રામ અને દુરવર્તી શિક્ષણના પાઠ વિદ્યાર્થીઓને ઓનલાઈન બતાવવા, એનું રજીસ્ટર નિભાવવું, જ્ઞાનકુંજમાં વિદ્યાર્થીઓને પાઠો બતાવવા અને એનું રજીસ્ટર નિભાવવું, વૈવિધ્યસભર પ્રાર્થના કાર્યક્રમ કરવો, દરરોજની પ્રાર્થનાનું રજીસ્ટર નિભાવવું સાથે દરેક શિક્ષકે પોતાની રોજનીશી લખવી અને એમાં વળી અધ્યયન નિષ્પતી લખવી, દરેક વિષયની દરેક વિદ્યાર્થીઓએ લખેલ સ્વ અધ્યયનપોથી ચેક કરવી ચેક કરેલ હોય, એની પાને પાને તારીખ સાથે સહી કરવી, જો તારીખ કે સહી બાકી રહી ગઈ હોય તો આવી નાની બાબતો માટે શિક્ષકોને નોટિસો મળે છે અને સ્વ અધ્યયન પોથીમાં દરેક વિદ્યાર્થીઓએ કરેલ ભૂલો સુધારવી, દરેક શિક્ષકોએ વર્ક પ્લેસ એપ્લિકેશન ફરજીયાત પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી માહિતી શાળાની પ્રવૃત્તિ અપલોડ કરવી, ભાષાદીપ કાર્યક્રમ અંતર્ગત દરરોજ એક કલાક વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી અને આ પ્રવૃત્તિઓ વર્ગના 40 થી 50 બાળકોની વ્યવસ્થિત ચેક કરવી, તારીખવાઇઝ તારીખ લખી સહી કરવી, શાળા દર્પણ ડાયરીમાં તમામ બાળકોની સિદ્ધિઓ શિક્ષકે નોંધવી, પાને પાને તારીખ સાથે શિક્ષકે સહી કરવી, વાલીઓની સહી કરાવવી તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો ગરીબ, મજૂર વર્ગના હોય વાલીઓ શિક્ષણના મહત્વને સમજતા ન હોય નાના બાળકોને નિયમિત શાળાએ મોકલતા નથી અને ઉચ્ચ પ્રાથમિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરિવારનો પેટનો ખાડો પુરવા નાના કામો કરવા મજૂરી કામે જતા હોય શાળામાં અનિયમિત અને સતત ગેરહાજર રહેતા હોય એના નામ શાળામાંથી શિક્ષક કમી કરી શકતા ન હોય વારંવાર વાલી સમ્પર્ક કરવો પડે છે અને એનું રજીસ્ટર નિભાવવું પડે છે. ગેરહાજર રહેતા નિયમિત રીતે અનિયમિત રહેતા વિદ્યાર્થીઓ ભણવામાં નબળા હોય એ સ્વભાવિક છે છતાં શિક્ષકોને ઉપરી અધિકારીઓના રોષનું ભોગ બનવું પડે છે.

- text

વધુમાં, ફેબ્રુઆરીમાં વિવિધ પ્રકારના ચાર દિન વિશેષની ઉજવણીની સાથે તા.26.03.2020 થી વાર્ષિક પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર વર્ષ દરમ્યાન શાળાઓમાં બેસુમાર કાર્યક્રમો અને અત્યાર સુધી વિદ્યાર્થીઓએ છત્રીસ જેટલી એકમ કસોટી અને એક સત્રાંત પરીક્ષા એમ સાડત્રીસ જેટલી કસોટીઓ આપેલ હોય, એન.સી.આર.ટી. પ્રમાણેના કોર્ષ પણ પૂરા શિક્ષકો ચલાવી શક્યા ન હોય અને શિક્ષકો ઉપર સી.આર.સી., બી.આર.સી. સ્કૂલ ઇન્સ્પેક્ટર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડાયટ લેક્ચરર, ડાયટ પ્રચાર્ય, સર્વ શિક્ષા અભિયાનના અધિકારીઓ, જી.સી.ઈ.આર.ટી.ના અધિકારીઓ, પ્રાથમિક શિક્ષણ નિયામક, સચિવશ્રી વગેરે અવારનવાર શાળાની મુલાકાત લઈ સામાન્ય ભૂલો માટે શિક્ષકોને નોટિસો આપે છે, ફરજ મોકૂફ કરે છે, પગાર અટકાવે છે આવા અનેકવિધ કારણોના કારણે શિક્ષકો અસહ્ય માનસિક તાણ અને મુંઝવણ અનુભવી રહ્યા છે.

જેના કારણે સાવરકુંડલામાં એક બહેન સાથે સ્કૂલ ઇન્સ્પેક્ટર કે જે શિક્ષકમાંથી જ વધારાનો હવાલો સંભાળે છે, એ શિક્ષિકા સાથે જીભાજોડી કરતા બહેન બેભાન થઈ ગયા હતા. તેમજ બનાસકાંઠામાં એક શિક્ષકનું કામના ભારણને કારણે હાર્ટ એટેકથી મૃત્યુ થયેલ છે. આવા રાજ્યભરમાં અનેક બનાવો બની રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં પણ આવી અઘટિત ઘટના ન ઘટે એ માટે ઘનશ્યામભાઈ એસ. દેથરીયા પ્રમુખ અને દિનેશભાઇ આર. હુંબલ મહામંત્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ચિંતા અને વ્યથા વ્યક્ત કરેલ છે.

- text