વાઘરવા ગામે લગ્નમાં ફાયરિંગ કરવા મામલે છ સામે ગુન્હો દાખલ કરાયો

- text


માળીયા મી. : ગત 14 ફેબ્રુઆરીએ માળીયા મી.ના વાઘરવા ગામે લગ્ન પ્રસંગ નિમિત્તે નીકળેલા ફુલેકામાં ફાયરિંગ કરવામાં આવ્યુ હોવાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ મોરબી જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા ગુન્હાની ગંભીરતા પારખી ત્વરિત કામગીરી કરવાના આદેશો છૂટ્યા હતા અને તપાસ એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને સોંપાઈ હતી. જે અન્વયે છ આરોપીઓની ઓળખ કરી તેઓની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામા આવ્યો છે.

- text

માળીયા મી. તાલુકાના વાઘરવા ગામે ગત 14 તારીખના રોજ નિવૃત પોલીસકર્મીના પુત્રના લગ્નના ફુલેકમાં અમુક શખ્સો દ્વારા જાહેરમાં ભડાકા કરાતા હોવાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વિડીઓને પગલે પોલીસ હરકતમા આવી હતી અને તપાસનો દૌર મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલાએ પોતાના હાથમાં લીધો હતો. ત્યાર બાદ સમગ્ર મામલાની તપાસ એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને સોંપાઈ હતી. તપાસ દરમ્યાન આ બનાવ નિવૃત પોલીસકર્મી કિશોરસિંહ જાડેજાના પુત્ર સત્યપાલસિંહ જાડેજાના લગ્ન નિમિત્તે નીકળેલા ફુલેકમાં બન્યો હોવાનું સ્પષ્ટ થતા માળીયા મી.ના પી.એસ.આઈ. જી.વી.વાણીયાએ આર્મ્સ એક્ટ મુજબ અભિષેકસિંહ દશરથસિંહ જાડેજા, દિગ્પાલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, ધર્મદીપસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા, અનીરુદ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજા, મહાવીરસિંહ રઘુવીરસિંહ જાડેજા અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ રાણા સામે ગુન્હો દાખલ કર્યો છે. તમામ છ આરોપીઓની ધરપકડ કરવા અને ફાયરિંગમાં ઉપયોગમાં લીધેલ હથિયાર કબ્જે કરવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- text