મોરબી : આર્થિક ગણતરી હેઠળ પુછાતા પ્રશ્નોના જવાબો સાચા આપવા કલેક્ટરનું આહવાન

- text


આર્થિક ગણતરી દેશના આર્થિક ક્ષેત્રના વિકાસ તેમજ ભવિષ્યના લાંબા ગાળાના આયોજનમાં મદદરૂપ થશેઃ કલેક્ટર જે.બી. પટેલ, પૂર્વગ્રહ સિવાય રાષ્ટ્રીય કામગીરીમાં સહકાર આપવા મોરબીના પ્રજાજનોને અપીલ

મોરબી : હાલમાં સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ ૭મી આર્થિક ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આર્થિક ગણતરીની આ કામગીરીને યોગ્ય રીતે પાર પાડવા મોરબી જિલ્લાના તમામ નાગરિકોને સહયોગ આપવા જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો છે.

ભારત સરકાર અને રાજ્ય સરકાર સમયાંતરે વ્યક્તિઓ/કુટુંબો/સંસ્થાઓ પાસેથી વિવિધ સામાજિક-આર્થિક બાબતોની માહિતી એકત્ર કરે છે, જેનો ઉપયોગ નીતિ ઘડતર માટે કરવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા ૭મી આર્થિક ગણતરી શરૂ કરવામાં આવેલ છે જેના અનુસંધાને ગુજરાત રાજ્યમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તા. ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ૭મી આર્થિક ગણતરીનો શુભારંભ કરવામાં આવેલ છે. મોરબી કલેક્ટરશ્રી જે.બી. પટેલના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યા અનુસાર આર્થિક ગણતરી ખૂબ જ અગત્યની ગણતરી છે. આ ગણતરી પરથી દેશમાં કયા પ્રકારના રોજગાર ચાલી રહ્યા છે? કયા રોજગારમાં કેટલા લોકો રોકાયેલા છે? તે અંગેની જાણકારી મેળવવાનો મુખ્ય આશય છે. આર્થિક ગણતરી દેશના આર્થિક ક્ષેત્રના વિકાસ તેમજ ભવિષ્યના લાંબા ગાળાના આયોજનમાં મદદરૂપ થઇ શકે છે. જેમાં સૌપ્રથમવાર મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી આર્થિક ગણતરી શરૂ કરવામાં આવેલ છે.

- text

વધુમાં પ્રજાજોગ સંદેશમાં કેન્દ્ર સરકારના CSC e -Governance Service India Ltd. અને ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરી દ્વારા ૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય અને સુપરવિઝનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ ગણતરીની કામગીરી માટે આપને ત્યાં જે ગણતરીદાર/સુપરવાઇઝર આવે તે CSC e-Governance Service India Ltd. દ્વારા નિમણૂંક પામેલા ગણતરીદાર/સુપરવાઇઝર હશે. આથી આ ગણતરી હેઠળ પૂછવામાં આવતાં પ્રશ્નોના જવાબો આપના દ્વારા ખાત્રીપૂર્વક, ચોક્કસ અને સાચા જવાબો તેમને પુરા પાડશો. જેથી મેળવવામાં આવેલ આ માહિતીનો અભ્યાસ કરી ૭મી આર્થિક ગણતરીના પરિણામો બહાર પાડી શકાય. જે રાજ્યના નીતિ વિષયક આયોજનમાં અત્યંત ઉપયોગી બનશે તેમ જણાવ્યું છે.

આ ગણતરીની કામગીરી માટે આવેલા ગણતરીદાર સુપરવાઇઝરને આપના દ્વારા આપવામાં આવેલ માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને તેનો ઉપયોગ ૭મી આર્થિક ગણતરીના પરિણામો તૈયાર કરવા માટે જ કરવામાં આવશે. આ રાષ્ટ્રવ્યાપી મહત્વની ગણતરી માટે ક્ષેત્રિય કામગીરી કરતાં ગણતરીદાર/સુપરવાઇઝર જ્યારે પણ માહિતી એકત્ર કરવા માટે આપનો સંપર્ક કરે ત્યારે કોઇપણ પ્રકારના પૂર્વગ્રહ સિવાય રાષ્ટ્રીય કામગીરીમાં શક્ય તે તમામ સહકાર આપવા અને આર્થિક ગણતરીની કામગીરીમાં આપ ગણતરીદાર/સુપરવાઇઝરોને સહકાર આપી સહભાગી બનવા જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ તેમજ જિલ્લા આંકડા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text