મોરબી : મુખ્યમંત્રી આવાસોનો ચાર વર્ષથી ડ્રો ન થતા 500થી વધુ લાભાર્થીઓને મુશ્કેલી

- text


મુખ્યમંત્રી આવાસોની સોંપણીમાં ઢીલીનીતિ : લાભાર્થીઓને તાત્કાલિક આવાસો ફાળવવા અંગે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના આવાસોની આશરે ચાર વર્ષથી જરૂરિયાતમત લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી નથી. જો કે પાંચ વર્ષ પહેલાંની મુખ્યમંત્રી આવસ યોજનાનો ડ્રો જ ન થતા 500થી વધુ લાભાર્થીઓ આવાસોથી વંચિત છે ત્યારે તંત્ર દ્વારા મુખ્યમંત્રી આવાસોની સોંપણીમાં આટલી બધી ઢીલીનીતિ શા માટે દાખવવામાં આવે છે તેવા સવાલ સાથે સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રીને રજુઆત કરીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા અને જીજ્ઞેશભાઈ પંડયાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી કે મોરબી શહેરમાં ઘર વિહોણા લોકોને ઘરનું ઘર રાહત દરે મળી રહે તે માટે નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો બનાવવામાં આવ્યા હતા. આ મુખ્યમંત્રી આવાસોને આશરે પાંચ વર્ષ જેવો સમય થઈ ગયો છે. જો કે નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસો માટે પહેલા ફોર્મ પ્રક્રિયા બાદ રૂ. 10 હજાર ફી લઈને થોડા સમય પછી ડ્રો કરવામાં આવે છે. આ ડ્રોમાં જે લાભાર્થીઓને મકાન લાગે તો તેમની પાસેથી તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરીને બાકીના રૂ 70 હજાર ઉધરાવીને મકાનોની સોંપણી કરવામાં આવે છે. પરંતુ મુખ્યમંત્રી આવાસો બન્યા પછી હજુ સુધી ડ્રો જ કરવામાં આવ્યો નથી.

- text

તંત્ર દ્વારા એટલો વિલંબ શા માટે કરવામાં આવે છે? મોરબી નગરપાલિકાના મુખ્યમંત્રી આવાસ યોજનાના આશરે 500 થી વધુ લાભાર્થીઓ છે. આ લાભાર્થીઓએ વર્ષો પહેલા ધરનું ઘર મળે તે માટે રૂ. 10 હજાર નગરપાલિકાને ભરપાઈ કરી દીધા હતા. આ લાભાર્થીઓને હજુ સુધી ન તો પૈસા પરત મળ્યા છે ન તો મકાન. તંત્રની આ બેજવાબદારીભરી કામગીરીનો અર્થ શું? અને લાભાર્થીઓને શુ સમજવું? જોકે મકાનો ન મળતા લાભાર્થીઓ નગરપાલિકા કચેરીના પગથિયાં ઘસી ઘસીને થાકી ગયા છે. એમને સરખો જવાબ પણ મળતો નથી. બીજી તરફ આવાસો હજુ સોંપાયા ન હોય ત્યાં તિરાડો પણ પડી ગઈ છે. આના માટે જવાબદાર કોણ? જ્યારે ગરીબ લાભાર્થીઓ હાલ ભાડાના મકાનમાં રહેતા હોય તેમની ગંભીર પરિસ્થિતિ છે. તેથી, આવા ગરીબ લાભાર્થીઓને જલ્દીથી આવાસો મળે તેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text