મોરબીના ધારાસભ્ય મેરજાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે નિમણુંક

- text


મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે મોરબી-માળીયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની બિનહરીફ નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષએ વિપક્ષના નેતા અને ગૃહના નેતા એવા મુખ્યમંત્રી સાથે પરામર્શ કરીને ગુજરાત વિધાનસભાના એક સભ્ય તરીકે માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પ્રતિનિધિત્વ કરવા મોરબી-માળીયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની પસંદગી કરીને મોરબીનું ગૌરવ વધાર્યું હતું. આમ, એક અભ્યાસુ, મહેનતુ, કાર્યદક્ષ અને વહીવટી કાબેલિયત ધરાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાની આ નિમણુંક બદલ ખુશી વ્યક્ત કરી આ નિમણૂકના સાચા યશના અધિકારી મોરબી-માળીયા (મી.)ના પ્રજાજનો હોવાનું જણાવ્યું હતું.

બ્રિજેશ મેરજાએ બોર્ડના સભ્ય તરીકે નવી જવાબદારીનો પ્રારંભ ગઈકાલે તા. 17 ફેબ્રુઆરીના રોજ મળેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ખાસ ઉપસ્થિત રહીને કર્યો હતો. આ બોર્ડ મિટિંગમાં તેમણે શિક્ષણ અને પરીક્ષાને લગતા સૂચનો કર્યા હતા. વવાણીયાની શ્રીમદ્દ રાજચંદ્ર હાઇસ્કૂલને તેમજ માળીયા (મી.)ની જે. પી. હાઈસ્કૂલને SSCની પરીક્ષાનું કેન્દ્ર પુન: ફાળવવા પણ રજૂઆત કરી પોતાના મત વિસ્તારના પ્રશ્નનો પડઘો માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં પાડ્યો હતો.

- text

બ્રિજેશ મેરજાએ મોરબી-માળીયા (મી.)ની શૈક્ષણિક સંસ્થાઓને એવો અનુરોધ કર્યો છે કે માધ્યમિક શિક્ષણ બોર્ડને લગતા કોઈ પ્રશ્નો હોય તો અવશ્ય તેમનો સંપર્ક કરે. બ્રિજેશ મેરજાની આ નિમણૂકને માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ તેમજ તેમના અનેક શુભેચ્છકોએ આવકારીને અભિનંદન પાઠવ્યા છે. તેમજ તેઓની આ નિમણૂકથી મોરબી-માળીયા (મી.) પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે.

- text