મોરબી સિરામિકમાં ચીનનું રો- મટિરિયલ્સ 15થી 20 દિવસ ચાલે તેટલું, ત્યારબાદ પ્રોડક્શન બંધ થાય તેવી નોબત

- text


કેવી લાચારી… રો-મટિરિયલ્સમાં માત્ર હરીફ ગણાતા ચીનનો જ ઇજારો : સરકાર આપણા દેશમાં રો- મટિરિયલ્સનું ઉત્પાદન શરૂ કરવામાં મદદરૂપ નહિ બને તો મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર મોટું જોખમ ઉભું થશે

મોરબી : મોરબી સિરામિક ઉદ્યોગને કોરોના વાયરસને કારણે ફાયદાની સાથે નુકસાન પણ સહન કરવાનું રહેશે. એક તરફ કોરોના વાયરસને કારણે મોરબીના સિરામિક માલની ડિમાન્ડ વધી રહી છે. તો બીજી બાજુ સિરામિકમાં ઉપયોગી કાચો માલ એક માત્ર ચીનમાંથી જ મળે છે. આ માલ મળતો બંધ થઈ ગયો છે. અને હાલ 15 થી 20 દિવસ ચાલે તેટલો જ જથ્થો છે. જો આ કાચામાલનો જથ્થો સમયસર નહિ મળે તો મોરબીના સિરામિક ઉદ્યોગોનું પ્રોડક્શન અટકી જશે.

મોરબીના સિરામિક ઉદ્યોગના પ્રોડક્શન માટે નેનો મટિરિયલ્સ અને એબ્રેસીવનો કાચો માલ તરીકે ઉપયોગ થાય છે. આ કાચો માલ ભારતમાં બનતો નથી. જે એકમાત્ર ચીનમાં જ બને છે. હાલ ચીનમાં તો કોરોના વાયરસને લીધે ઉદ્યોગો બંધ હાલતમાં પડ્યા છે. ત્યાં આયાત નિકાસ ઉપર બ્રેક મારી દેવામાં આવી છે. માટે મોરબી સિરામિક ઉપર મોટું સંકટ ઉભું થયું છે. હાલ તો મોરબીના સિરામિક ઉદ્યોગો પાસે અંદાજે 15થી 20 દિવસ સુધી ચાલે તેટલો કાચા માલનો જથ્થો પડ્યો છે. ત્યારબાદ આ કાચો માલ ખૂટી જવાનો છે. જેથી સિરામિક ઉદ્યોગોનો પ્રોડક્શન બંધ થઈ જશે.

- text

આ મામલે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે કાચો માલ ચિનમાંથી જ મળે છે. માટે તેના ઉપર આધાર રાખવો પડે છે. હાલ કાચો માલ ખૂટવાની તૈયારીમાં છે. પરંતુ માલ ખૂટે તે પૂર્વે ચીનમાં આયાત નિકાસ શરૂ થઈ જાય તેવી આશા રાખી રહ્યા છીએ. વધુમાં તેઓએ કહ્યું કે સિરામિક ક્ષેત્રે ચીન ભારતનું હરીફ છે. કમનસીબી કહેવાય કે આપણે હરીફ દેશમાંથી આવતા રો- મટિરિયલ્સ પર આધારિત છીએ. આવનાર દિવસોમાં કદાચ બન્ને દેશો વચ્ચે સબંધ સારા ન રહે અથવા અન્ય કોઈ મુશ્કેલી આવે તો મોરબી સહિત સમગ્ર ભારતના સિરામિક ઉદ્યોગની હાલત કફોડી થઈ જાય. માટે સરકારે નેનો મટિરિયલ્સ અને એબ્રેસીવનું ઉત્પાદન ભારતમાં જ શરૂ થાય તે માટે પ્રયત્નો હાથ ધરવા જોઈએ.

- text